Assembly Elections in West bengal, Tamil nadu, Kerala, Assam and Puducherry: ભારતીય રાજનીતિ માટે આજે અતિ મહત્વનો દિવસ છે. પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ, આસામ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે જાહેર થશે. મતગણતરી પ્રક્રિયા સવારે 8:00 વાગ્યાથી શરુ થઇ ગઇ છે. આ પરિણામો માત્ર પ્રાદેશિક સત્તા જ નહીં, પરંતુ રાષ્ટ્રીય સ્તરે પણ આગામી રાજકીય દિશા નક્કી કરશે.
પશ્ચિમ બંગાળ: પ્રાદેશિક પક્ષ કે ભાજપના વર્ચસ્વની લડાઈ?
સમગ્ર દેશની નજર પશ્ચિમ બંગાળ પર કેન્દ્રિત છે. જો મમતા બેનર્જી સત્તા જાળવી રાખવામાં સફળ રહે છે, તો તે પ્રાદેશિક પક્ષો માટે ભાજપ સામે એક મોટી જીત ગણાશે. જોકે, જો ભાજપ વિજયી બને છે, તો તે સાબિત કરશે કે ભાજપ પ્રાદેશિક પક્ષોને તેમના ગઢમાં જ હરાવી શકે છે, જેમ કે અગાઉ ઓડિશા અને દિલ્હીમાં જોવા મળ્યું હતું. બંગાળની 294 બેઠકોમાંથી આજે 293 બેઠકો માટે મતગણતરી થશે, કારણ કે ફાલ્ટા બેઠક પર અનિયમિતતાને લીધે 21 મેના રોજ નવેસરથી મતદાન યોજાશે. સુરક્ષા માટે QR કોડ આધારિત ઓળખ કાર્ડ અને ત્રણ-સ્તરીય સુરક્ષા ઘેરો ગોઠવવામાં આવ્યો છે.
9 વાગ્યા સુઘીની પરિણામ
| પુડુચેરી | કેટલી સીટ પર આગળ |
| બીજેપી | 18 |
| કોંગ્રેસ | 5 |
| અન્ય | 1 |
| કેરળ | કેટલી સીટ પર આગળ |
| એલડીએફ | 61 |
| યુડીએફ | 64 |
| અન્ય | 5 |
| આસામ | કેટલી સીટ પર આગળ |
| બીજેપી | 61 |
| કોંગ્રેસ | 9 |
| અન્ય | 0 |
| આસામ | કેટલી સીટ પર આગળ |
| બીજેપી | 61 |
| કોંગ્રેસ | 9 |
| અન્ય | 0 |
| પ્રશ્ચિમ બંગાળ | કેટલી સીટ પર આગળ |
| ટીએમસી | 80 |
| બીજેપી | 79 |
| અન્ય | 2 |
કેરળ: ડાબેરીઓના અસ્તિત્વનો સવાલ અને કોંગ્રેસની વાપસીની આશા
કેરળમાં પરિણામો ડાબેરીઓ માટે નિર્ણાયક છે. જો LDF હારી જાય છે, તો દાયકાઓમાં પ્રથમ વાર દેશભરમાં કોઈપણ રાજ્યમાં ડાબેરીઓની સરકાર નહીં રહે. બીજી તરફ, એક્ઝિટ પોલ્સમાં યુડીએફ (UDF) અને કોંગ્રેસના વિજયની આગાહી કરવામાં આવી છે. જો કોંગ્રેસ અહીં જીતે છે, તો તેલંગાણા અને કર્ણાટક બાદ દક્ષિણ ભારતમાં તેનું આ ત્રીજું શાસિત રાજ્ય બનશે. ભાજપ પણ અહીં 2024ની લોકસભા જીત બાદ વિધાનસભામાં ખાતું ખોલાવવાની આશા રાખી રહ્યું છે.
તમિલનાડુ: નવા રાજકીય સમીકરણો અને ટીવીકે (TVK) નો ઉદય
તમિલનાડુમાં લગભગ પાંચ દાયકાથી ચાલી આવતા ડીએમકે (DMK) અને એઆઈએડીએમકે (AIADMK) ના વર્ચસ્વને અભિનેતા વિજયની નવી પાર્ટી 'ટીવીકે' (TVK) પડકારી શકે છે. એક્ઝિટ પોલ્સ મુજબ ડીએમકેની જીતની સંભાવના છે, પરંતુ 'એક્સિસ માય ઇન્ડિયા' એ ટીવીકે માટે સ્વતંત્ર સત્તાની આગાહી કરી છે. આ પરિણામો નવા રાજકીય જોડાણોને જન્મ આપી શકે છે, જેમાં કોંગ્રેસ ડીએમકે છોડીને ટીવીકે સાથે પણ જોડાઈ શકે છે.
આસામ વિધાનસભાનું પરિણામ
ભાજપ માટે અહીં સતત ત્રીજી જીત ઉત્તરપૂર્વમાં તેનું વર્ચસ્વ મજબૂત કરશે અને મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માનું કદ વધારશે. ભાજપે અહીં હિન્દુત્વ અને ઘુસણખોરીના મુદ્દા પર ચૂંટણી રણનીતિ ઘડી છે.
પુડુચેરી વિધાનસભાનું પરિણામ
અહીં એન. રંગાસામીના નેતૃત્વ હેઠળની AINRC અને ભાજપનું જોડાણ સત્તા જાળવી રાખે તેવી અપેક્ષા છે.
આઠ બેઠકો પર પેટાચૂંટણીની મતગણતરી
વિધાનસભા ચૂંટણીની સાથે પાંચ રાજ્યોની આઠ બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો પણ આજે જાહેર થશે. જેમાં ગુજરાતની ઉમરેઠ બેઠક સહિત ગોવા, કર્ણાટક, નાગાલેન્ડ, ત્રિપુરા અને મહારાષ્ટ્રની બેઠકોનો સમાવેશ થાય છે.
આજના પરિણામો એક્ઝિટ પોલ્સના અંદાજોને કેટલી હદ સુધી સાચા ઠેરવે છે અને ભારતીય રાજનીતિમાં કેવા પરિવર્તનો લાવે છે તે જોવું રસપ્રદ રહેશે.
વિધાનસભા ચૂંટણી 2026: બેઠકોનું ગણિત
| રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશ | કુલ બેઠકો | બહુમતીનો આંકડો | નોંધ |
| પશ્ચિમ બંગાળ | 294 | 148 | આજે 293 બેઠકો પર મતગણતરી થશે, ફાલ્ટા બેઠક પર ફરી મતદાન થશે. |
| તમિલનાડુ | 234 | 118 | ડીએમકે, એઆઈએડીએમકે અને નવી પાર્ટી ટીવીકે વચ્ચે જંગ. |
| કેરળ | 140 | 71 | એલડીએફ (LDF) અને યુડીએફ (UDF) વચ્ચે રસાકસીભરી સ્પર્ધા. |
| આસામ | 126 | 64 | ભાજપ માટે સતત ત્રીજી જીતની સંભાવના. |
| પુડુચેરી | 30 | 16 | એન. રંગાસામીના નેતૃત્વમાં ગઠબંધન સત્તા જાળવી રાખે તેવી અપેક્ષા. |
