ખોરાકની શોધમાં હોટલના કિચનમાં ઘૂસ્યો વિશાળ મગર, સ્ટાફના ઉડ્યા હોશ; વીડિયો થયો વાયરલ

મગર દેખાતાની સાથે જ હોટલ મેનેજમેન્ટે સુરક્ષા પ્રોટોકોલ સક્રિય કર્યો અને તુરંત જ 'ઝિમ્બાબ્વે પાર્ક્સ અને વાઇલ્ડલાઇફ મેનેજમેન્ટ ઓથોરિટી' (ZimParks) ને જાણ કરી.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Sat, 25 Apr 2026 09:15 AM (IST)Updated: Sat, 25 Apr 2026 09:15 AM (IST)
zimbabwe-crocodile-enters-hotel-kitchen-in-search-of-food-staff-left-terrified-video-goes-viral

Crocodile Video Viral: ઝિમ્બાબ્વેના ફેમસ વિક્ટોરિયા ફોલ્સ નજીક આવેલી એક લક્ઝરી હોટલમાં તે સમયે અફરાતફરી મચી ગઈ જ્યારે એક વિશાળ નાઇલ મગર હોટલના પરિસરમાં ઘૂસી આવ્યો હતો. 17 એપ્રિલ, 2026ના રોજ વહેલી સવારે બનેલી આ ઘટનાએ પ્રવાસીઓ અને હોટલ સ્ટાફના શ્વાસ અધ્ધર કરી દીધા હતા. જોકે, સ્ટાફની સમયસૂચકતા અને વન્યજીવન ટીમની ત્વરિત કાર્યવાહીને કારણે કોઈ જાનહાનિ વિના મગરને સુરક્ષિત રીતે નદીમાં પરત છોડવામાં આવ્યો હતો.

સવારના નાસ્તા પહેલા મગરનું આગમન થયું હતું

વિક્ટોરિયા ફોલ્સ ક્ષેત્રમાં સ્થિત પ્રખ્યાત 'એ'ઝામ્બેઝી રિવર લોજ'માં શુક્રવારની સવાર અન્ય દિવસોની જેમ શાંત હતી. હોટલનો સ્ટાફ પોતાની દૈનિક કામગીરીમાં વ્યસ્ત હતો ત્યારે અચાનક લોજની અંદર એક વિશાળ નાઇલ મગર આરામ કરતો જોવા મળ્યો. આ મગર હોટલની બાજુમાંથી વહેતી ઝામ્બેઝી નદીમાંથી ભટકીને માનવ વસવાટવાળા વિસ્તારમાં આવી ચઢ્યો હતો. સામાન્ય રીતે આ વિસ્તારમાં હાથી કે વાંદરાઓ જોવા મળતા હોય છે, પરંતુ આટલા મોટા શિકારી જીવને હોટલની અંદર જોઈને સ્ટાફ સ્તબ્ધ થઈ ગયો હતો.

સ્વીફ્ટ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું હતું

મગર દેખાતાની સાથે જ હોટલ મેનેજમેન્ટે સુરક્ષા પ્રોટોકોલ સક્રિય કર્યો અને તુરંત જ 'ઝિમ્બાબ્વે પાર્ક્સ અને વાઇલ્ડલાઇફ મેનેજમેન્ટ ઓથોરિટી' (ZimParks) ને જાણ કરી. વન્યજીવન નિષ્ણાતોની ટીમ ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી હતી. તાલીમબદ્ધ ટીમે ભારે જહેમત બાદ મગરને કોઈ પણ ઈજા પહોંચાડ્યા વગર કાળજીપૂર્વક કાબૂમાં લીધો હતો. રેસ્ક્યૂ બાદ મગરને તેના કુદરતી રહેઠાણ એવી ઝામ્બેઝી નદીમાં સુરક્ષિત રીતે પાછો છોડી દેવામાં આવ્યો હતો. અધિકારીઓએ પુષ્ટિ કરી હતી કે આ સમગ્ર ઘટનામાં કોઈ મહેમાન કે મિલકતને નુકસાન થયું નથી.

પ્રકૃતિના ખોળામાં વસેલું લોજ

એ'ઝામ્બેઝી રિવર લોજ ઝામ્બેઝી નેશનલ પાર્કની સરહદે આવેલું છે, જ્યાં વન્યજીવોની અવરજવર પર કોઈ ભૌતિક પ્રતિબંધ નથી. આ સ્થળ તેની પ્રાકૃતિક સુંદરતા માટે જાણીતું છે. હોટલ મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર, અહીં રોકાતા પ્રવાસીઓ માટે હાથી, હિપ્પોપોટેમસ અને જંગલી ડુક્કર જોવું એ સામાન્ય બાબત છે. ઘણા પ્રવાસીઓએ આ મગરની ઘટનાને 'રિયલ આફ્રિકન એડવેન્ચર' ગણાવી હતી. વન્યજીવન નિષ્ણાતોનું કહેવું છે કે મગરો ઘણીવાર ઈંડા મૂકવા માટે અથવા પોતાનો વિસ્તાર વધારવા માટે જમીન પર આવતા હોય છે.