યુકેના લેસ્ટરમાં ઉમટ્યો ભક્તિનો મહાસાગર: શિવકથાના બીજા દિવસે પૂજ્ય ગિરીબાપુએ આપ્યો 'શાંતિપૂર્ણ જીવન'નો અદ્ભુત મંત્ર

ગિરીબાપુએ લેસ્ટર શિવકથામાં જણાવ્યું કે ક્રોધને જીતવા માટે મૌન કેમ જરૂરી છે? આજના યુગમાં મોબાઈલના વપરાશ અને ભોજનના નિયમો અંગે આપી ખાસ પ્રેરણા.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Wed, 17 Jun 2026 04:52 PM (IST)Updated: Wed, 17 Jun 2026 04:52 PM (IST)
giribapu-shiva-katha-in-leicester-talking-about-the-three-pillars-of-life-transformation

Giribapu Shiv Katha: યુનાઇટેડ કિંગડમના લેસ્ટર ખાતે બ્રહ્મ સમાજ ટ્રસ્ટ અને શિવાલય પરિવાર દ્વારા આયોજિત શિવ મહાપુરાણ કથાના બીજા દિવસે ભક્તિનો મહાસાગર ઉમટી પડ્યો હતો. પૂજ્ય ગિરીબાપુએ વ્યાસપીઠ પરથી નારદજીના ચરિત્ર અને શિવ મહિમાના માધ્યમથી શ્રોતાઓને જીવન જીવવાની સાચી દિશા બતાવી હતી. આ કથામાં ભગવાન શિવની આરાધનાની સાથે આજના આધુનિક યુગમાં મનુષ્ય કેવી રીતે શાંતિથી જીવી શકે તે માટેના પ્રેક્ટિકલ ઉદાહરણો આપીને બાપુએ અનેક પ્રેરણાત્મક વાતો કરી હતી.

વિચારો પર સંયમ એ જ સાચી શાંતિ

ગિરીબાપુએ વિચારોની શક્તિ પર ભાર મૂકતા જણાવ્યું કે જીવનમાં દરેક કાર્યનો પ્રારંભ વિચારથી થાય છે. જેમની પાસે વિચાર ક્રાંતિ છે, તે જ મહાન બની શકે છે. તેમણે એક પ્રેરક ઉદાહરણ આપતા કહ્યું કે, આપણે ઘણીવાર રાત્રે એવો વિચાર કરીને સૂઈએ છીએ કે કાલે સવારે વહેલા ઉઠીને કસરત કરીશું અથવા ભગવાનનું ભજન કરીશું, પરંતુ સવાર પડતા જ એ શ્રેષ્ઠ વિચારો ગાયબ થઈ જાય છે અને આપણે તેને ટાળતા રહીએ છીએ. બાપુએ ટકોર કરી કે જો મનુષ્ય પોતાના વિચારો પર સંયમ નહીં રાખે તો તેને 'વિચાર વાયુ' થઈ જશે અને ક્યારેય શાંતિ કે ઊંઘ મળશે નહીં.

ચરિત્ર એ જીવનનો શ્રેષ્ઠ ઉપહાર

સુંદરતા વિશે વાત કરતા પૂજ્ય બાપુએ કહ્યું કે, માત્ર દેખાવમાં સુંદર હોવું એ સાચી સુંદરતા નથી, પરંતુ મનુષ્યનું ચરિત્ર તેની વાસ્તવિક સુંદરતા છે. સન્માન હંમેશા ચરિત્રનું થાય છે, રૂપનું નહીં. તેમણે ભગવાન શિવનું ઉદાહરણ આપતા સમજાવ્યું કે મહાદેવે ક્યારેય સોના-ચાંદી કે હીરા-મોતીના આભૂષણો નથી પહેર્યા, છતાં તેમનું ચરિત્ર આખા વિશ્વ માટે પૂજનીય અને પ્રેરણારૂપ છે. કથા સાંભળવાથી પુણ્ય મળે છે, પણ ભગવાનના ચરિત્રને સાંભળીને જો આપણું ચરિત્ર શુદ્ધ બને તો જ કથા સાંભળી સાર્થક ગણાય.

મોબાઈલ અને આધુનિક જીવનશૈલી પર કટાક્ષ

આજના સમયમાં લોકો વચ્ચે વધતા જતા અંતર અંગે બાપુએ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ઉદાહરણ આપ્યું કે પહેલાના સમયમાં લોકો વેકેશનમાં મામાના ઘરે રહેવા જતા અને એકબીજાને મળતા, જ્યારે આજે લોકો એક જ ઘરમાં સાથે બેઠા હોવા છતાં એકબીજા સાથે વાત કરવાને બદલે 10 લોકો પોતપોતાના મોબાઈલમાં મશગૂલ હોય છે. તેમણે એક ઘરનું ઉદાહરણ આપ્યું જ્યાં ડાઈનિંગ ટેબલ પર બોર્ડ લખેલું હતું કે, "અહીં એ જ બેસી શકે છે જેના હાથમાં મોબાઈલ ના હોય." ભોજન કરતી વખતે મોબાઈલમાં ધ્યાન હોવાથી લાળ ગ્રંથિઓ સક્રિય થતી નથી અને ખોરાક પચતો નથી, જે રોગનું કારણ બને છે.

ક્રોધ: મનુષ્યનો સૌથી મોટો શત્રુ

ક્રોધ વિશે વાત કરતા ગિરીબાપુએ તેને સાક્ષાત 'યમરાજ' સાથે સરખાવ્યો હતો. તેમણે સમજાવ્યું કે ક્રોધ કરતી વખતે મનુષ્યની આંખ અને કાન બંધ થઈ જાય છે અને માત્ર મોઢું ખુલ્લું રહે છે. તેમણે એક સુંદર અવલોકન રજૂ કર્યું કે, જ્યારે આપણને ક્રોધ આવે છે ત્યારે ચહેરો ગુલાબી નહીં પણ લાલ થઈ જાય છે, જે અગ્નિની નિશાની છે. 50 વર્ષના જૂના સંબંધોને એક પળનો ક્રોધ તોડી શકે છે. ક્રોધને જીતવાનો એકમાત્ર ઉપાય 'મૌન' છે. બાપુએ કહ્યું કે હિમાલય પર્વત ઉઠાવવો કદાચ સરળ છે, પણ ક્રોધના સમયે મૌન રહેવું અત્યંત કઠિન છે.

જીવન પરિવર્તનના ત્રણ સ્તંભ: ભસ્મ, મંત્ર અને રુદ્રાક્ષ

ભગવાન વિષ્ણુએ નારદજીને આપેલા બોધને યાદ કરતા બાપુએ ત્રણ મુખ્ય બાબતો જણાવી:

1). ભસ્મ: મન અશાંત હોય ત્યારે કપાળમાં ભસ્મનું ત્રિપુંડ કરવાથી માનસિકતા બદલાય છે અને શાંતિ મળે છે.
2). મંત્ર: 'ૐ નમઃ શિવાય' મંત્ર એ જગતનો સૌથી મોટો મહામંત્ર છે. આ મંત્ર અકાળ મૃત્યુથી બચાવે છે અને સર્વ પાપોમાંથી મુક્તિ અપાવે છે.
3). રુદ્રાક્ષ: રુદ્રાક્ષ ધારણ કરનાર વ્યક્તિએ આહારમાં પવિત્રતા રાખવી જોઈએ. જે મનુષ્ય માંસાહાર કે મદિરાપાન કરે છે તેણે રુદ્રાક્ષ પહેરવો જોઈએ નહીં. આહાર શુદ્ધ હશે તો જ વિચાર અને વ્યવહાર શુદ્ધ થશે.