Vinayaka Chaturthi 2026: હિન્દુ ધર્મમાં ભગવાન શ્રીગણેશને મંગળકર્તા અને પ્રથમ પૂજનીય દેવ માનવામાં આવે છે. શ્રદ્ધાપૂર્વક તેમની આરાધના કરવાથી જીવનના તમામ કષ્ટો દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે. 18 જૂન 2026, ગુરુવારના રોજ જેઠ સુદ ચોથ એટલે કે વિનાયક ચતુર્થી છે. આ ગણેશજીની અત્યંત પ્રિય તિથિ ગણાય છે. શાસ્ત્રો અનુસાર, જો આ દિવસે ગજાનનને તેમની પાંચ અતિ પ્રિય વસ્તુઓ અર્પણ કરવામાં આવે, તો મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. આવો જાણીએ એ ખાસ વસ્તુઓ વિશે:
મોદક
ગણેશજી લડ્ડુપ્રિય દેવતા તરીકે જાણીતા છે. તેમને બુંદી, તલ, સોજી કે નારિયેળના લાડુ ખૂબ જ પ્રિય છે, પરંતુ તે બધામાં મોદકનું સ્થાન સર્વોપરી છે. જ્યારે પણ વિનાયકને મોદક ધરાવો ત્યારે તે શુદ્ધ ઘીમાંથી બનેલા હોય તેનું ખાસ ધ્યાન રાખવું. જો આ શક્ય ન હોય, તો ભક્ત શુદ્ધ ઘી અને ગોળનો ભોગ પણ લગાવી શકે છે.
દૂર્વા
દૂર્વા વગર ગણેશજીની પૂજા અધૂરી માનવામાં આવે છે. એકદંતાને પ્રસન્ન કરવા માટે પૂજામાં દૂર્વા ચોક્કસ સામેલ કરવી. ધરો અર્પણ કરતી વખતે ધ્યાન રાખવું કે તેના ઉપરના ભાગમાં ત્રણ કે પાંચ પાંદડીઓ હોવી જોઈએ, જેને શાસ્ત્રોમાં સૌથી ઉત્તમ ગણવામાં આવી છે.
કેળા
શ્રીગણેશને ફળોમાં કેળાનો પ્રસાદ ચડાવવાની પરંપરા છે. પરંતુ અહીં એક ખાસ નિયમ છે વિઘ્નહર્તાને ક્યારેય એકલું કેળું અર્પણ ન કરવું જોઈએ. ભગવાનને હંમેશા બે એટલે કે જોડમાં જ કેળા ધરીને પૂજા કરવી જોઈએ.
પુષ્પો
ગણેશજીની પૂજામાં પુષ્પોનું વિશેષ મહત્વ છે, ખાસ કરીને લાલ જાસૂદનું ફૂલ તેમને અત્યંત પ્રિય છે. 'પદ્મપુરાણ' અને 'આચાર ભૂષણ' ગ્રંથો અનુસાર, ગણપતિજીને તુલસીના પાન ક્યારેય ન ચડાવવા જોઈએ. તુલસી સિવાયના અન્ય તમામ સુગંધિત પુષ્પો તેઓ ખુશી-ખુશી સ્વીકારે છે.
લાલ સિંદૂર
સિંદૂરને શુભ અને મંગલતાનું પ્રતિક માનવામાં આવે છે. ગણેશજીને લાલ રંગનું સિંદૂર ખૂબ ગમે છે. તેથી દરરોજ અથવા ચતુર્થીના દિવસે પ્રભુને સ્નાન કરાવ્યા બાદ લાલ સિંદૂરનું તિલક કરવું જોઈએ. ભગવાનને તિલક કર્યા પછી ભક્તે પોતાના મસ્તક પર પણ તે જ સિંદૂર ધારણ કરવું, જેનાથી દરેક કાર્યમાં સફળતા મળે છે.
આ પાંચ મુખ્ય સામગ્રીઓ સિવાય ગણેશજીને પૂજા દરમિયાન આખી હળદર, સોપારી, જનોઈ અને નાડાછડી અર્પણ કરવાથી પણ ઉત્તમ ફળ મળે છે અને સંકટોમાંથી મુક્તિ મળે છે.
