IND-A vs SL-A, Protected Area Penalty: ઈન્ડિયા A અને શ્રીલંકા A વચ્ચે રમાઈ રહેલી ટ્રાઈ નેશન A સિરીઝની મેચમાં એક મોટી અને અસામાન્ય ઘટના જોવા મળી છે. ઈન્ડિયા A ટીમના સ્ટાર ઓલરાઉન્ડર વિપરાજ નિગમની એક ભૂલના કારણે આખી ટીમને 10 રનની પેનલ્ટી લાગતા નુકસાન વેઠવું પડ્યું છે, અને શ્રીલંકન ટીમને તેનો સીધો ફાયદો મળ્યો છે. જોકે, તમને પ્રશ્ન થશે કે આવું શા માટે બન્યું અને આ ક્રિકેટનો કયો નિયમ છે?
શું છે પ્રોટેક્ટેડ એરિયાનો નિયમ? (Protected area rule)
ક્રિકેટના નિયમો અનુસાર, પિચની બરાબર વચ્ચેના હિસ્સાને 'પ્રોટેક્ટેડ એરિયા' અથવા રક્ષિત વિસ્તાર (Protected area) કહેવામાં આવે છે. આ પિચનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે, કારણ કે બોલરનો ફેંકેલો બોલ મોટાભાગે અહીં જ ટપ્પો ખાય છે. જો કોઈ બેટર વારંવાર પોતાના સ્પાઈક્સ (ખીલીવાળા શુઝ) પહેરીને આ વિસ્તારમાંથી પસાર થાય, તો પિચની સપાટી ખરાબ થઈ શકે છે.
સ્પાઈક્સના કારણે પિચ પર ખાડા, તિરાડો અને નિશાન પડી જાય, જેનાથી બોલનો બાઉન્સ, ગતિ અને સ્પિન બદલાઈ શકે છે. જો આવું થાય તો મેચનું સંતુલન બગડી શકે છે અને બોલિંગ કરનારી ટીમને અયોગ્ય ફાયદો કે નુકસાન થઈ શકે છે. આ જ કારણસર બેટર્સને હંમેશા પિચની વચ્ચેથી નહીં, પરંતુ સાઈડ પરથી દોડવાનો નિયમ બનાવવામાં આવ્યો છે.
ઈન્ડિયાને લાગી પેનલ્ટી, શું હતી વિપરાજની ભૂલ?
આ ઘટના ઈન્ડિયા A ટીમની બેટિંગ ઇનિંગ્સ દરમિયાન 37મી ઓવરમાં બની, જ્યારે શ્રીલંકા A ટીમ બોલિંગ કરી રહી હતી. દિલ્હી કેપિટલ્સના સ્પિનર અને ઈન્ડિયા A ટીમના ઓલરાઉન્ડર વિપરાજ નિગમે રન લેવા માટે પિચના 'ડેન્જર ઝોન' (Protected area) માં બે વાર દોડ લગાવી હતી.
ક્રિકેટના નિયમ મુજબ સ્પાઇક્સ એટલે કે ખીલીવાળા શુઝ પહેરીને આ વિસ્તારમાં જવાની મનાઈ હોય છે. બેટરને અગાઉ ચેતવણી પણ આપવામાં આવી હતી, પરંતુ તેણે પોતાની ભૂલનું પુનરાવર્તન કર્યું હતું. જેના પરિણામે ઈન્ડિયા A ટીમ પર 10 રનની પેનલ્ટી લગાવવામાં આવી હતી. આ 10 રનની પેનલ્ટીની સીધી અસર મેચના ટાર્ગેટ પર જોવા મળી હતી.
શ્રીલંકાનો ટાર્ગેટ ઘટી ગયો, 10 રન મફતમાં મળી ગયા
ઈન્ડિયા A ટીમે નિર્ધારિત ઓવરમાં 265 રન બનાવ્યા હતા, અને નિયમ મુજબ શ્રીલંકા A ટીમને જીતવા માટે 266 રનનો ટાર્ગેટ મળવો જોઈતો હતો. પરંતુ, વિપરાજ નિગમની આ મોટી ભૂલના કારણે શ્રીલંકાનો ટાર્ગેટ ઘટાડી દેવામાં આવ્યો અને તેમને 266 ના બદલે માત્ર 256 રન જ બનાવવાના રહ્યા. આમ, શ્રીલંકાને 10 રન મફતમાં મળી ગયા હતા.
