મહાશિવરાત્રી પર મહાદેવની પૂજા ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે. આ દિવસે તમે અનેક ઉપાયો અજમાવીને ભગવાન શિવને પ્રસન્ન કરી શકો છો. તો ચાલો આજે આપણે જાણીએ ભગવાન ભોળાનાથને શું-શું ચડાવવું જોઈએ, જેથી તે પ્રસન્ન થાય...
ભગવાન શિવની પૂજા જળ ચડાવીને કરવી જોઈએ, કારણ કે તેના વિના પૂજા અધૂરી માનવામાં આવે છે. સાદા પાણી ઉપરાંત તમે ગંગાજળથી પણ શિવજીને અભિષેક કરી શકો છો. જેનાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે.
મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવનો દૂધથી અભિષેક કરવાથી શરીર નિરોગી બને છે અને દહી ચડાવવાથી ઘરમાં સુખ-શાંતિ આવે છે.
ભગવાન શિવને બિલી પત્ર ખૂબ જ પ્રિય છે. પૂજામાં ત્રણ પાંદડા વાળા બિલી પત્ર જ ચડાવવા જોઈએ. જો કે એકવાતનું ધ્યાન રાખજો કે તેને ત્રણની જોડીમાં તોડીને ઊંધા કરીને જ શિવલિંગ પર ચડાવવા જોઈએ.
ભોળાનાથને ચંદન ખૂબ જ પ્રિય છે, આથી તેમની પૂજામાં ચંદન ઘસીને તેનો લેપ મહાદેવને લગાવવો જોઈએ. જેનાથી મનોકામના સિદ્ધ થાય છે અને શિવજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
ભગવાન શિવને ધતુરા, આકળો અને ચમેલીના ફૂલ ખૂબ જ પસંદ છે. મહાશિવરાત્રીના દિવસે ભોળાનાથની પૂજામાં આ ફૂલો અચૂક ચડાવવા જોઈએ. જેનાથી મહાદેવ પ્રસન્ન થશે.
ભગવાન શિવને પંચામૃત પણ અર્પણ કરી શકો છો, જેનું વિશેષ મહત્ત્વ હોય છે. પંચામૃત બનાવવા માટે દૂધ, દહી, મધ અને ગંગાજળની જરૂર પડે છે. આ તમામ વસ્તુ મહાદેવને ખૂબ જ પસંદ છે.
મહાશિવરાત્રી દરમિયાન પૂજામાં ભોગ તરીકે ખીર, લાડવા, બરફી, હલવો વગેરે ધરાવવા જોઈએ. આમ તો ભોળાનાથને ભાંગ અને ધતુરો ખૂબ જ પસંદ છે, તો તમે તેને પણ ચડાવી શકો છો. જો કે ધ્યાનમાં રાખજો કે, ભૂલથી પણ સિંદુર, તુલસી, હળદર કે લાલ ફૂલ ના ચડે, નહીંતર મહાદેવ નારાજ થઈ જશે.