જર્મનીમાં ભણવા માટે મોટી લોન ન લો; જાણો NRI ઉદ્યોગપતિએ કેમ આવી વાત કરી

શું તમે જર્મનીમાં અભ્યાસ કરવા જઈ રહ્યા છો? જાણી લો શા માટે ખાનગી યુનિવર્સિટીઓ બની શકે છે તમારા માટે 'ડેબ્ટ ટ્રેપ'. મયુખ પંજાની ખાસ સલાહ.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Tue, 09 Jun 2026 06:18 PM (IST)Updated: Tue, 09 Jun 2026 06:18 PM (IST)
dont-take-a-big-loan-to-study-in-germany-know-why-an-nri-businessman-said-this

Study Abroad: વિદેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવીને ઉજ્જવળ કરિયર બનાવવાનું સપનું આજે દરેક ભારતીય વિદ્યાર્થી જોઈ રહ્યો છે, પરંતુ આ સપનાની પાછળ એક મોટો ડેબ્ટ ટ્રેપ એટલે કે દેવાની જાળ પણ છુપાયેલી હોઈ શકે છે. તાજેતરમાં જર્મનીના બર્લિનમાં રહેતા ભારતીય મૂળના ઉદ્યોગપતિ મયુખ પંજાએ સોશિયલ મીડિયા પર એક ગંભીર ચેતવણી આપી છે. તેમણે જણાવ્યું છે કે ભારતીય વિદ્યાર્થીઓએ જર્મનીની લો-રેન્કિંગ ધરાવતી ખાનગી યુનિવર્સિટીઓમાં પ્રવેશ લેવા માટે મોટી લોન લેવી જોઈએ નહીં, કારણ કે અંતે તે પાયમાલી તરફ દોરી જાય છે.

'વિઝા મિલ્સ' અને સપનાઓનો વેપાર

એઆઈ ફર્મ 'Populations'ના સ્થાપક મયુખ પંજાએ જણાવ્યું કે જર્મનીમાં ઘણી ખાનગી યુનિવર્સિટીઓ માત્ર 'વિઝા મિલ્સ' તરીકે કામ કરી રહી છે. આ સંસ્થાઓ વિદ્યાર્થીઓને એવા સપના વેચે છે કે યુરોપ પહોંચ્યા પછી તેમનું જીવન આર્થિક રીતે સુધરી જશે અને નોકરીઓની ભરમાર હશે. પરંતુ હકીકતમાં, આ યુનિવર્સિટીઓમાં શિક્ષણનું સ્તર અત્યંત નીચું હોય છે અને ત્યાં સરળતાથી એડમિશન મળી જાય છે. વિદ્યાર્થીઓ જ્યારે ત્યાં પહોંચે છે ત્યારે તેમને સમજાય છે કે તેમની ડિગ્રીની જર્મની કે ભારતમાં કોઈ ખાસ કિંમત નથી.

શોષણ અને 12 કલાકની કાળી મજૂરી

મયુખ પંજાએ બર્લિનમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓની દયનીય સ્થિતિ વિશે વાત કરતા કહ્યું કે, તેમણે અનેક વિદ્યાર્થીઓને 12 કલાક સુધી ડિલિવરી બોય તરીકે, રેસ્ટોરન્ટમાં કે અન્ય મજૂરીના કામો કરતા જોયા છે. આ વિદ્યાર્થીઓ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે અત્યંત ઓછા પગારે અને ખરાબ સ્થિતિમાં કામ કરવા મજબૂર બને છે. પરિણામે તેમની પાસે ભણવા માટે સમય બચતો નથી અને તેઓ દેવાના ડુંગર નીચે દબાઈ જાય છે.

પરિવારોને અપીલ: જમીન વેચીને જોખમ ન લો

ઉદ્યોગપતિએ ભારતીય પરિવારોને ખાસ વિનંતી કરી છે કે માત્ર વિદેશ મોકલવાના મોહમાં આવીને 30 લાખ રૂપિયા જેવી મોટી લોન ન લેવી કે ઘરની ખેતીની જમીન ન વેચવી. તેમણે સલાહ આપી છે કે જો કોઈ વાત ખૂબ જ આકર્ષક લાગતી હોય તો તે ઘણીવાર છેતરપિંડી હોઈ શકે છે. વિદ્યાર્થીઓએ આવી સ્કેમી યુનિવર્સિટીઓથી બચવું જોઈએ જે માત્ર પૈસા કમાવવા માટે કાર્યરત છે.

જો તમે ખરેખર જર્મનીમાં ભણવા માંગતા હોવ તો નીચેની બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે-

સરકારી યુનિવર્સિટીઓ

હંમેશા જર્મનીની સરકારી યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવવાનો પ્રયાસ કરો. તે અત્યંત સસ્તી અથવા ફ્રી હોય છે અને ત્યાં શિક્ષણનું સ્તર ખૂબ ઊંચું હોય છે. જોકે, ત્યાં પ્રવેશ મેળવવો મુશ્કેલ અને સ્પર્ધાત્મક હોય છે.

ભાષા પર પ્રભુત્વ

જર્મનીમાં સારી નોકરી મેળવવા માટે જર્મન ભાષાનું B2 લેવલનું જ્ઞાન હોવું ખૂબ જરૂરી છે. માત્ર અંગ્રેજીના ભરોસે જવું જોખમી બની શકે છે.

યોગ્ય ક્ષેત્રની પસંદગી

જર્મની હજુ પણ રિસર્ચ, એન્જિનિયરિંગ અને ફંડામેન્ટલ સાયન્સ માટે વિશ્વના શ્રેષ્ઠ દેશોમાંનો એક છે. જો તમે આ વિષયોમાં નિષ્ણાત બનવા માંગતા હોવ તો જ યોગ્ય યુનિવર્સિટી પસંદ કરીને ત્યાં જવું હિતાવહ છે.

આમ, વિદેશ જવાની ઉતાવળમાં કોઈ ખોટો નિર્ણય ન લેવો જોઈએ. એજન્ટો અને લોભામણી જાહેરાતોના ચક્કરમાં આવ્યા વગર પૂરતી તપાસ કરીને જ આગળ વધવું જોઈએ જેથી કરીને ઉજ્જવળ ભવિષ્યના નામે અંધકારમાં ન ધકેલાવું પડે.