GSSSB Junior Pharmacist Recruitment 2026: રાજ્યની સરકારી હોસ્પિટલોમાં સરકારી નોકરી મેળવવા માંગતા યુવાનો અને ફાર્મસીના વિદ્યાર્થીઓ માટે એક ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે. વર્ષોથી સરકારી હોસ્પિટલોમાં ખાલી પડેલી ફાર્માસિસ્ટોની જગ્યાઓ ભરવા માટે આખરે રાજ્ય સરકાર સક્રિય બની છે.
13 વર્ષના વિરામ બાદ આવી ભરતી
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નિયંત્રણ હેઠળ 13 વર્ષના લાંબા વિરામ બાદ જુનીયર ફાર્માસીસ્ટ વર્ગ-3 ની કુલ 266 જગ્યાઓ માટે સીધી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે ભરતી માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.
જુનિયર ફાર્માસિસ્ટ વર્ગ-3 ની કુલ 266 જગ્યાઓની ભરતી માટે અરજી પ્રક્રિયા 6 જૂન, શનિવારથી શરૂ થઈ ચૂકી છે. ઈચ્છુક ઉમેદવારો 25 જૂન, ગુરુવારની રાત સુધી પોતાની ઓનલાઇન અરજી નોંધાવી શકશે.
શૈક્ષણિક લાયકાત અને અનુભવ
આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવાર પાસે ફાર્મસીમાં બેચલર ડિગ્રી (B.Pharm) અથવા ફાર્મ-ડી (Pharm-D) ની ડિગ્રી હોવી આવશ્યક છે. જે ઉમેદવારો પાસે ડિપ્લોમા ઇન ફાર્મસી (D.Pharm) ની ડિગ્રી છે તેઓ પણ આ ભરતીમાં અરજી કરી શકશે, પરંતુ તેમના માટે સંબંધિત ક્ષેત્રમાં બે વર્ષનો કામકાજનો અનુભવ હોવો ફરજિયાત છે.
કઈ કેટેગરી માટે કેટલી જગ્યા?
અગાઉ વિવિધ સરકારી, જિલ્લાની અને જનરલ હોસ્પિટલો તથા સામુદાયિક આરોગ્ય કેન્દ્રોમાં ફાર્માસિસ્ટની 738 અને જુનિયર ફાર્માસિસ્ટની 638 ખાલી જગ્યાઓ સામે આવી હતી. હાલમાં જાહેર કરાયેલી 266 જગ્યાઓમાંથી કેટેગરી મુજબ નીચે પ્રમાણે બેઠક ફાળવવામાં આવી છે:
- સામાન્ય વર્ગ (General): 139 જગ્યાઓ
- SEBC: 63 જગ્યાઓ
- EWS: 26 જગ્યાઓ
- ST: 25 જગ્યાઓ
- SC: 13 જગ્યાઓ
જુનિયર ફાર્માસિસ્ટનો પગાર-પરીક્ષા પદ્ધતિ
પસંદગી પામનાર ઉમેદવારોને શરૂઆતના પ્રથમ પાંચ વર્ષ માટે દર મહિને રૂ. 40,800 નો ફિક્સ પગાર આપવામાં આવશે. પાંચ વર્ષની કામગીરી જો સંતોષકારક રહેશે તો ત્યારબાદ ઉમેદવારોને લેવલ-5 મુજબ રૂ. 29,200 થી રૂ. 92,300 ના નિયમિત પગાર ધોરણમાં નિમણૂક મળશે.
આ પણ વાંચો: ભારતીય નેવીમાં અગ્નિવીર એપ્રેન્ટિસશિપ માટે અરજી મંગાવાઈ, આ રીતે સ્ટેપ બાય સ્ટેપ એપ્લાય કરો
આ સમગ્ર ભરતી પ્રક્રિયા સીબીઆરટી-ઓએમઆર (CBRT-OMR) આધારિત સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા હાથ ધરવામાં આવશે. ઉમેદવારો પોતાની તૈયારી સુવ્યવસ્થિત રીતે કરી શકે તે માટે GSSSB દ્વારા આ જાહેરાતનો વિગતવાર અભ્યાસક્રમ (Syllabus) પણ સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવ્યો છે.
