Gujarat RTE Admission: આજથી ત્રીજા રાઉન્ડનો પ્રારંભ, હજુ 7000 થી વધુ બેઠકો ખાલી

આ રાઉન્ડમાં વાલીઓએ 6 થી 8 જૂન સુધીમાં ઓનલાઇન સ્કૂલની પસંદગી કરવાની રહેશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 06 Jun 2026 11:18 AM (IST)Updated: Sat, 06 Jun 2026 11:19 AM (IST)
gujarat-rte-admission-2026-third-round-dates-and-vacancy-status

Gujarat RTE Admission - 3rd Round: રાઇટ ટુ એજ્યુકેશન (RTE) એક્ટ હેઠળ ખાનગી સ્કૂલોમાં ધોરણ 1 માં મફત પ્રવેશ માટેની ગુજરાત સરકારની ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયામાં બીજો રાઉન્ડ પૂર્ણ થઈ ગયો છે. બીજા રાઉન્ડના અંતે વધુ 4244 બાળકોના પ્રવેશ કન્ફર્મ થયા છે, પરંતુ હજુ પણ હજારો બેઠકો ખાલી હોવાથી આજે 6 જૂનથી પ્રવેશનો ત્રીજો ઓનલાઈન રાઉન્ડ શરૂ કરવામાં આવ્યો છે.

માધ્યમ મુજબ કેટલી બેઠકો ખાલી છે?

RTE પ્રવેશ પ્રક્રિયા હેઠળ પ્રથમ અને બીજા રાઉન્ડ બાદ પણ રાજ્યની ખાનગી સ્કૂલોમાં હજુ 7022 બેઠકો ખાલી પડી છે. RTE પ્રવેશ શાખાના ડેટા મુજબ ખાલી બેઠકોની વિગતો નીચે મુજબ છે:

  • અંગ્રેજી માધ્યમ: 3,911 બેઠકો
  • ગુજરાતી માધ્યમ: 1,358 બેઠકો
  • હિન્દી માધ્યમ: 1,578 બેઠકો
  • અન્ય માધ્યમ: 175 બેઠકો

વાલીઓએ હવે શું કરવાનું રહેશે?

RTE પ્રવેશ પ્રક્રિયાના ત્રીજા રાઉન્ડમાં ભાગ લેવા માટે લાયક ઠરેલા 1.02 લાખથી વધુ ઉમેદવારોના વાલીઓને પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા SMS મોકલીને સ્કૂલ પસંદગી માટે જાણ કરી દેવામાં આવી છે. આ રાઉન્ડમાં ભાગ લેવા માટે વાલીઓએ 6 થી 8 જૂન સુધીમાં ઓનલાઇન સ્કૂલની પસંદગી કરવાની રહેશે.

વાલીઓ આ સમયગાળા દરમિયાન નવી સ્કૂલોની પસંદગી કરી શકશે, અને અગાઉ પસંદ કરેલી સ્કૂલોના લિસ્ટમાં પણ ફેરબદલ કરી શકશે. વાલીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ નિયત સમયમર્યાદામાં પોતાની સ્કૂલ પસંદગી ઓનલાઇન લોક કરી દે.

RTE: અગાઉના બે રાઉન્ડની સ્થિતિ

ચાલુ વર્ષે રાજ્યની 9770 ખાનગી સ્કૂલોની 83 હજારથી વધુ બેઠકો સામે 1.82 લાખથી વધુ વાલીઓની અરજી માન્ય રાખવામાં આવી હતી, જેમાંથી પ્રથમ રાઉન્ડમાં 77,925 બાળકોને પ્રવેશ ફાળવ્યો હતો. પ્રથમ રાઉન્ડમાં ખાલી રહેલી અને વાલીઓએ કન્ફર્મ ન કરાવેલી કુલ 11 હજારથી વધુ બેઠકો માટે બીજો રાઉન્ડ યોજાયો હતો. આ બીજા રાઉન્ડમાં 5814 બેઠકોની ફાળવણી કરવામાં આવી હતી, જેમાંથી 4244 બાળકોનો પ્રવેશ અંતિમ રીતે કન્ફર્મ થયો હતો.

જો આપણે અમદાવાદની વાત કરીએ તો, અમદાવાદ ગ્રામ્યમાં 2,091 ફાળવેલ પ્રવેશમાંથી 1,899 અને શહેરી (કોર્પોરેશન) વિસ્તારમાં 14,579 માંથી 13,660 પ્રવેશ કન્ફર્મ થઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં કુલ 83,687 બેઠકોમાંથી 77,425 બેઠકો પર પ્રવેશ પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગઈ છે.