Ahmedabad Traffic Diversion: અમદાવાદમાં મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટના ભાગરૂપે સાબરમતીથી વટવા વચ્ચે સ્ટીલ બ્રિજ ઊભો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેને પગલે શહેરના મહત્વના એવા કાંકરિયા-અનુપમ બ્રિજ કોરિડોર પર ટ્રાફિક ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. વાહનચાલકોને મુશ્કેલી ન પડે તે માટે તંત્ર દ્વારા ચોક્કસ સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે.
બ્રિજ ક્યારે બંધ રહેશે?
કામગીરી દરમિયાન સંબંધિત રસ્તો રાત્રે 12:00 થી સવારે 6:00 દરમિયાન બંધ રહેશે.
- ઇરેક્શન વર્ક: 3 જૂન, 2026
- લોન્ચિંગ વર્ક: 5 જૂન અને 10 જૂન, 2026
- ડિસ્મેન્ટલિંગ વર્ક: 13 જૂન અને 14 જૂન, 2026
કયા વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવો?
તંત્ર દ્વારા વાહનચાલકો માટે નીચે મુજબના ડાયવર્ઝન રૂટ સૂચવવામાં આવ્યા છે:
કાંકરિયા તરફ જતા વાહનો માટે
અનુપમ બ્રિજ તરફ જતા ટુ-વ્હીલર, મધ્યમ તથા ભારે વાહનોએ મહારાણા પ્રતાપ સર્કલ (કાંગારૂ સર્કલ) થી મદ્રાસી મંદિર થઈ ઝગડિયા બ્રિજ અને ત્યાંથી દેડકી ગાર્ડન તરફ ડાયવર્ટ થવું.
અનુપમ બ્રિજ તરફ આવતા વાહનો માટે
વાહનોએ દેડકી ગાર્ડન ચાર રસ્તા થઈ સિદ્ધિ વિનાયક સર્કલથી ડાબી બાજુ વળી રેલવે કોલોની, ત્યારબાદ એલ.જી. ચોકીથી ડાબી બાજુ વળી ઝઘડિયા બ્રિજ થઈ ખોખરા, હાટકેશ્વર અને સી.ટી.એમ. તરફ જઈ શકશે.
અમદાવાદ શહેરના સંયુક્ત પોલીસ કમિશનર (ટ્રાફિક) અશ્વિન ચૌહાણે તમામ નાગરિકોને આ સમયગાળા દરમિયાન સૂચવેલા વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અપીલ કરી છે. જેમને આ વિસ્તારમાંથી પસાર થવાનું હોય તેમણે સમયનું ખાસ ધ્યાન રાખવા વિનંતી છે.
