વાહનચાલકો સાવધાન! ટ્રાફિકના નિયમોમાં મોટા ફેરફાર; 5 ચલણ ફાટ્યા તો લાઈસન્સ સસ્પેન્ડ, ગાડી પણ થઈ જશે બ્લોક; જાણો નવા નિયમો

હવે ઈ-ચલણ ન ભરવા પર વાહન 'Not to be transacted' કેટેગરીમાં બ્લોક થશે અને 5થી વધુ ચલણ પર ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ થશે. જાણો વિગતવાર અહેવાલ.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Tue, 16 Jun 2026 07:48 PM (IST)Updated: Tue, 16 Jun 2026 07:48 PM (IST)
big-changes-in-traffic-rules-if-5-challans-are-torn-license-will-be-suspended-vehicle-will-also-be-blocked-know-the-new-rules

E-Challan New Rules: જો તમે પણ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરીને ઈ-ચલણ (E-Challan) ભરવામાં આળસ કરો છો, તો હવે સુધરી જવાની જરૂર છે. ભારત સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય (MoRTH) દ્વારા કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં ઐતિહાસિક અને અત્યંત કડક સુધારા કરવામાં આવ્યા છે. આ નવા નિયમો અંતર્ગત હવે ચલણની ઓનલાઈન ફરિયાદ, રકમ ચૂકવવાની સમયમર્યાદા અને વારંવાર નિયમો તોડનારાઓ સામે લાઇસન્સ સસ્પેન્શન સુધીની કાયદેસરની જોગવાઈઓ લાગુ કરી દેવામાં આવી છે.

ગુજરાત સરકાર દ્વારા પણ રાજ્યના તમામ વાહનચાલકોને કાયદાકીય મુશ્કેલીઓથી બચવા માટે ટ્રાફિક નિયમોનું ચુસ્ત પાલન કરવા અને બાકી ચલણો સમયસર ભરી દેવા ખાસ અપીલ કરવામાં આવી છે. આવો જાણીએ ડિજિટલ સિસ્ટમને પારદર્શક અને કડક બનાવતા આ નવા નિયમોની એક-એક વિગત.

naidunia_image

ખોટા ચલણ સામે ફરિયાદ માટે માત્ર 45 દિવસનો સમય

નવા સુધારા મુજબ, જો કોઈ વાહનચાલક કે માલિકને એવું લાગે કે તેને ઇસ્યુ થયેલું ઈ-ચલણ ભૂલભરેલું છે અથવા ખોટું છે, તો તે ચલણ જનરેટ થયાની તારીખથી 45 દિવસની અંદર સત્તાવાર 'ઈ-ચલણ પોર્ટલ' પર ઓનલાઈન વાંધો કે ફરિયાદ નોંધાવી શકે છે.

45 દિવસ પછી ચલણ આપોઆપ થઈ જશે 'સ્વીકૃત'

જો ચલણ ઇસ્યુ થયાના 45 દિવસની અંદર વાહન માલિક તરફથી કોઈ ફરિયાદ કે રજૂઆત ઓનલાઈન દાખલ કરવામાં નહીં આવે, તો કાયદાકીય રીતે એમ માની લેવામાં આવશે કે વાહનચાલકે પોતાની ભૂલનો અને ચલણનો સ્વીકાર કરી લીધો છે. આ આપોઆપ સ્વીકૃતિના દિવસથી આગામી 30 દિવસની અંદર દંડની પૂરેપૂરી રકમ ઓનલાઈન ભરી દેવી ફરજિયાત રહેશે.

સમયસર ચલણ ન ભર્યું તો 'વાહન પોર્ટલ' પર ગાડી થઈ જશે સેન્ટ્રલ બ્લોક!

નવા નિયમોની આ સૌથી અસરકારક જોગવાઈ છે. જો કોઈ વાહનમાલિક નિયત સમયમર્યાદામાં પોતાના ચલણની રકમ ભરપાઈ નહીં કરે, તો કેન્દ્રીય 'વાહન પોર્ટલ' પર સંબંધિત વાહનને "Not to be transacted" એટલે કે બ્લોકની શ્રેણીમાં મૂકી દેવામાં આવશે.

naidunia_image

બ્લોક થવાથી કઈ સેવાઓ અટકી જશે?

એકવાર વાહન આ કેટેગરીમાં બ્લોક થઈ ગયા પછી, મોટર વાહનના માત્ર સરકારી ટેક્સ ભરવા સિવાયની તમામ વહીવટી સેવાઓ અટકાવી દેવાશે. જેમાં:

  • ડ્રાઇવિંગ લાઇસન્સની નવી કે જૂની પ્રક્રિયા
  • RC બુક સંબંધિત કામગીરી
  • વાહન ટ્રાન્સફર કે અન્ય કોઈ પણ સરકારી અરજીઓ પર કોઈ વહીવટી પ્રક્રિયા થઈ શકશે નહીં.

જો તમારી ફરિયાદ નકારવામાં આવે તો શું નિયમ છે?

જો તમે ઈ-ચલણ સામે પોર્ટલ પર ફરિયાદ કરી હોય અને ફરિયાદ નિવારણ સત્તાધિકારી દ્વારા તમારી એ રજૂઆતને નકારી (Reject) દેવામાં આવે, તો તમારી પાસે બે વિકલ્પો રહેશે:

વિકલ્પ 1: ફરિયાદ નકારાયાના આગામી 30 દિવસની અંદર ચલણની પૂરી રકમ ભરી દેવી.

વિકલ્પ 2: જો કોર્ટમાં અપીલ કરવી હોય, તો ચલણની કુલ રકમના 50% રકમ ઈ-ચલણ પોર્ટલ પર ડિપોઝિટ તરીકે જમા કરાવી કોર્ટ સમક્ષ જવું પડશે.

ધ્યાન રાખો: જો આ બંનેમાંથી એક પણ પ્રક્રિયા કરવામાં નહીં આવે, તો ચલણ આપોઆપ મંજૂર માની લેવાશે અને 15 દિવસમાં રકમ ચૂકવવી પડશે. જો તેમ પણ કરવામાં નહીં આવે તો છેવટે વાહનને “વાહન પોર્ટલ” પર "Not to be transacted" તરીકે બ્લોક કરી દેવાશે.

વર્ષમાં 5 કે તેથી વધુ ચલણ ફાટ્યા તો લાઈસન્સ સીધું સસ્પેન્ડ!

વારંવાર સ્પીડ લિમિટ તોડતા કે ટ્રાફિકના નિયમો ધજાગરા ઉડાવતા નબીરાઓ માટે આ નિયમ કાળ સમાન સાબિત થશે. નવી જોગવાઈ મુજબ, જો કોઈ એક જ વાહન માલિક અથવા ડ્રાઇવરને એક જ વર્ષની અંદર 5 કે તેથી વધુ વખત ટ્રાફિક ઈ-ચલણ ઇસ્યુ કરવામાં આવશે, તો તે વાહનચાલકનું ડ્રાઇવિંગ લાઇસન્સ તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવાની કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ગુજરાત સરકારની વાહનચાલકોને અપીલ

આ નવા કેન્દ્રીય મોટર વાહન સુધારાઓ અન્વયે ગુજરાત સરકારના ટ્રાફિક વિભાગ અને પરિવહન મંત્રાલય દ્વારા રાજ્યના તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, કોઈ પણ પ્રકારની કાયદાકીય ગૂંચવણોથી બચવા, પોતાના વાહનને સરકારી પોર્ટલ પર બ્લોક થતું અટકાવવા અને લાઇસન્સ સસ્પેન્શન જેવી મોટી આફતથી બચવા માટે ટ્રાફિકના નિયમોનું સદ્દાય ચુસ્તપણે પાલન કરો. જો કોઈ જૂના ઈ-ચલણ બાકી હોય, તો તેને આજે જ નિયત પોર્ટલ પર ઓનલાઈન ભરી દેવા વિનંતી છે.