Gujarat IAS Reshuffle 2026: ગુજરાત સરકાર દ્વારા રાજ્યના વહીવટી તંત્રમાં ફેરફાર કરતા વરિષ્ઠ IAS અધિકારીઓની બદલીના આદેશો જારી કરવામાં આવ્યા છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 17 જૂન 2026ના રોજ આ અંગેનું સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ બદલીઓ દ્વારા સ્ટેટ ટેક્સ અને આદિજાતિ વિકાસ જેવા મહત્વના વિભાગોમાં નવા અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.
રૂપવંત સિંઘને સ્ટેટ ટેક્સના ચીફ કમિશનરની જવાબદારી
વર્ષ 2003 બેચના IAS અધિકારી રૂપવંત સિંઘને નવી અને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. અત્યાર સુધી ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GMDC) ના મેનેજિંગ ડિરેક્ટર તરીકે કાર્યરત રૂપવંત સિંઘની બદલી કરીને તેમને અમદાવાદ ખાતે સ્ટેટ ટેક્સના ચીફ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ ડૉ. ટી. નટરાજનની જગ્યા લેશે. જોકે, સરકારના આગામી આદેશ સુધી તેઓ GMDC ના મેનેજિંગ ડિરેક્ટર તરીકેનો વધારાનો હવાલો પણ સંભાળતા રહેશે.
આલોકકુમાર પાંડે આદિજાતિ વિકાસ વિભાગના સચિવ બન્યા
આ ફેરફારમાં વર્ષ 2006 બેચના IAS અધિકારી આલોક કુમાર પાંડેની પણ બદલી કરવામાં આવી છે. તેઓ અત્યાર સુધી રિલીફ કમિશનર અને મહેસૂલ વિભાગમાં એક્સ-ઓફિસિયો સેક્રેટરી તરીકે ફરજ બજાવી રહ્યા હતા. હવે તેમની નિમણૂક ગાંધીનગર ખાતે આદિજાતિ વિકાસ વિભાગ (Tribal Development Department) ના સચિવ તરીકે કરવામાં આવી છે. તેઓ શાહમીના હુસૈનને આ જવાબદારીમાંથી મુક્ત કરશે.
આ આદેશો રાજ્યના રાજ્યપાલના નામથી અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્મા દ્વારા જારી કરવામાં આવ્યા છે. આ નિમણૂકોની નકલ તમામ સંબંધિત વિભાગો અને અધિકારીઓને જાણ તથા જરૂરી કાર્યવાહી માટે રવાના કરી દેવામાં આવી છે.
