Digital India: ભારતમાં UPI ટ્રાન્ઝેક્શનમાં 10 વર્ષમાં 12 હજાર ગણો વધારો, વર્ષ 2025-26માં રૂ. 314 લાખ કરોડની લેવડદેવડ થઈ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વથી દેશમાં આવી ડિજિટલ ક્રાંતિ. UPI પેમેન્ટ, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર અને સરકારી સેવાઓ ડિજિટલ બનવાથી નાગરિકોની સુખાકારીમાં વધારો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 16 Jun 2026 11:24 PM (IST)Updated: Tue, 16 Jun 2026 11:24 PM (IST)
gandhinagar-news-upi-transactions-in-india-increased-12-thousand-times-in-10-years
HIGHLIGHTS
  • આજે ગુજરાતમાં 6.99 કરોડ બચત ખાતાઓમાં ઓછામાં ઓછી એક ડિજિટલ બેન્કિંગની સુવિધા

Digital India: 26 મે, 2014ના રોજ નરેન્દ્ર મોદીએ પ્રથમ વખત દેશના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. તેમના વડાપ્રધાન તરીકેના 12 વર્ષોના કાર્યકાળમાં ભારતે વિકાસ, સુશાસન, ગરીબ કલ્યાણ અને વૈશ્વિક પ્રતિષ્ઠાના નવા અધ્યાય લખ્યા છે.

ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેક્નોલોજી, ઊર્જા, ઉત્પાદન, રમતગમત અને સામાજિક સુધારણા જેવા અનેક ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. ભારત આજે ડિજિટલ ટેક્નોલોજી ક્ષેત્રે સમગ્ર વિશ્વમાં આગવી પ્રતિષ્ઠા ધરાવે છે અને છેલ્લા 12 વર્ષોમાં વિવિધ ડિજિટલ પહેલોથી નાગરિકોની સુખાકારીમાં વધારો થયો છે.

ગુજરાતમાં 6.99 કરોડ બચત ખાતાઓમાં ડિજિટલ બેન્કિંગ સુવિધા

ગુજરાતમાં સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીના છેલ્લા આંકડા અનુસાર, 31 માર્ચ 2026 સુધીમાં ગુજરાતમાં 6,99,05,125 બચત ખાતાઓમાં ઓછામાં ઓછી એક ડિજિટલ બેન્કિંગ સુવિધા ઉપલબ્ધ છે. ડિજિટલ પેમેન્ટની વ્યવસ્થાને વધુ વ્યાપક બનાવવના હેતુથી RBIના દિશાનિદર્શન અનુસાર રાજ્યના તમામ જિલ્લાઓમાં લોકો સુરક્ષિત રીતે ઝડપી અને સરળતાથી બેંક વ્યવહારો કરી શકે તેના માટે બેન્કિંગ સુવિધાઓનો વ્યાપ વધારવાનું જણાવવામાં આવ્યું છે.

આજે 6.99 કરોડ બચત ખાતાઓમાંથી 70.49 ટકા ખાતાધારકો પાસે ડેબિટ કાર્ડ છે, જ્યારે 63.19 ટકા ખાતાધારકો UPI, મોબાઈલ બેન્કિંગ અને USSD (ઇન્ટરનેટ વિના ફોનથી બેંકિંગ) સેવાઓનો ઉપયોગ કરે છે. 79.20 ટકા ધારકો આધાર કાર્ડની મદદથી બેન્કિંગ સુવિધાઓનો ઉપયોગ કરે છે.

ગુજરાતમાં અત્યારે 1,98,52,734 જનધન લાભાર્થીઓ છે અને 1,51,79,955 રૂપે કાર્ડ જારી કરવામાં આવ્યા છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં થયેલી ડિજિટલ ક્રાંતિના લીધે આજે છેવાડના માનવી સુધી ઝડપી સુવિધાઓ પહોંચી છે.

10 વર્ષમાં UPI ટ્રાન્ઝેક્શનમાં 12 હજાર ગણો વધારો, વર્ષ 2025-26માં ₹314 લાખ કરોડની લેવડદેવડ

11 એપ્રિલ 2016ના રોજ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) દ્વારા જાહેર થયેલ યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI)ના ઉપયોગમાં અભૂતપૂર્વ વધારો જોવા મળ્યો છે. રાષ્ટ્રીય સ્તરે 2016-17માં 2 કરોડ ટ્રાન્ઝેક્શનનો આંકડો વર્ષ 2025-26માં વધીને 24,162 કરોડ પહોંચ્યો છે, જે 12 હજાર ગણો વધારો દર્શાવે છે.

આવી જ રીતે વર્ષ 2016માં ₹0.07 લાખ કરોડની લેવડદેવડ UPI માધ્યમથી થઈ હતી, જે વર્ષ 2025-26માં વધીને ₹314 લાખ કરોડ પર પહોંચી છે. દસ વર્ષમાં તે 4 હજાર ગણો વધારો દર્શાવે છે. ભારતમાં અત્યારે દૈનિક સરેરાશ 66 કરોડ UPI ટ્રાન્ઝેક્શન અને સરેરાશ ₹0.86 લાખ કરોડની લેવડદેવડ થાય છે. 2016માં જાહેર 21 બેન્કો UPI સાથે જોડાયેલી હતી, જે માર્ચ 2026 સુધીમાં 703 થઈ છે.

નાણાકીય વર્ષ 2025-26 અનુસાર ભારતના ડિજિટલ પેમેન્ટમાં UPIનો ફાળો 85 ટકા જેટલો છે. અત્યારે UAE, સિંગાપોર, ફ્રાન્સ, ભુટાન, નેપાળ, શ્રીલંકા, મોરિશ્યસ અને કતરમાં ભારતના UPIનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

વડાપ્રધાનના નેતૃત્વમાં છેલ્લા 12 વર્ષોમાં ભારતમાં ડિજિટલ ક્ષેત્રે અભૂતપૂર્વ ક્રાંતિ

ભારતમાં ઇન્ટરનેટના વપરાશકર્તાઓની સંખ્યા અત્યારે 100 કરોડથી પણ વધુ છે જે 12 વર્ષ પહેલા 25 કરોડ હતી. ઇન્ટરનેટ ઉપભોક્તાઓમાં વધારો અને પાર્લામેન્ટથી લઈને પંચાયતો સુધી ‘ભારતનેટ’ થી જોડાવું એ ડિજિટલ ઇન્ડિયાની બહુ મોટી સિદ્ધિ છે. ભારતનેટ પરિયોજના હેઠળ 12 વર્ષ પહેલા માત્ર 546 પંચાયતો જોડાયેલી હતી, પરંતુ આજે 2.14 લાખ જેટલી ગ્રામ પંચાયતો આ પરિયોજના સાથે જોડાઈ ચૂકી છે.

ગુજરાત તેમજ ભારત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની સુવિધા હવે એક ક્લિકથી ઓનલાઈન પોર્ટલ દ્વારા નાગરિકોને ઉપલબ્ધ બની છે. તેના લીધે નાગરિકોને ઝડપી, સુગમ અને પારદર્શક રીતે સેવાઓ વિતરિત કરવામાં સફળતા મળી છે.