Gujarat Primary Teachers Protest: ગુજરાત રાજ્યના શૈક્ષણિક આલમમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વર્ષ 2010 પહેલા નિમણૂક પામેલા તમામ પ્રાથમિક શિક્ષકો માટે શિક્ષક પાત્રતા કસોટી (TET) ફરજિયાત કરવાના આદેશ સામે શિક્ષક સંઘે બાંયો ચડાવી છે. અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ (AIPTF) અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના આદેશ અનુસાર, 17 જૂન, બુધવારના રોજ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં પ્રાથમિક શિક્ષકો દ્વારા એક દિવસીય મહા-ધરણાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
શું છે સમગ્ર વિવાદ અને કેમ થઈ રહ્યો છે વિરોધ?
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી અને પ્રમુખના જણાવ્યા અનુસાર, સુપ્રીમ કોર્ટ દ્વારા 11 સપ્ટેમ્બર 2025 ના રોજ એક આદેશ કરવામાં આવ્યો હતો. જેમાં 2010 પહેલા સેવામાં જોડાયેલા તમામ શિક્ષકોએ TET પરીક્ષા ફરજિયાત પાસ કરવી પડશે તેવો ઉલ્લેખ હતો. જોકે, તાજેતરમાં સુપ્રીમ કોર્ટે આ સમય મર્યાદા વધારીને 31 ઓગસ્ટ 2028 સુધીમાં TET પાસ કરવા માટેનો આદેશ આપ્યો છે.
પ્રાથમિક શિક્ષક સંઘનો મુખ્ય વિરોધ એ છે કે જે શિક્ષકો વર્ષોથી સેવામાં છે, તેમની સેવા, સુરક્ષા અને વ્યાવસાયિક ગૌરવ પર આ નિયમથી સીધી અસર પડે છે. આ મુદ્દે દિલ્હી ખાતે 10 જૂન 2026 ના રોજ AIPTF એકશન કમિટીની બેઠક મળી હતી, જેમાં દેશભરના અનુભવી શિક્ષકોની આજીવિકા બચાવવા માટે તબક્કાવાર આંદોલનનો નિર્ણય લેવાયો હતો.
આ પણ વાંચો: TAT 2026: TATની પ્રાથમિક કસોટીનું પરિણામ, 1.20 લાખથી વધુ ઉમેદવારો મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાઈ
17 જૂને ક્યાં-ક્યાં યોજાશે ધરણાં?
'શિક્ષક હિત અને ન્યાય માટે હવે એકતા દર્શાવવાનો સમય આવી ગયો છે' તેવા નારા સાથે, ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં વિશાળ સંખ્યામાં શિક્ષકો ભેગા મળીને કલેક્ટર કચેરી કે પંચાયત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવશે. પ્રાપ્ત વિગતો અનુસાર, નીચે મુજબના જિલ્લામાં તારીખ 17 જૂન, બુધવારના રોજ ધરણાં યોજાશે:
- રાજકોટ: બપોરે 3 થી 5 વાગ્યા સુધી - બહુમાળી ભવન ચોક, રેસકોર્સ ગાર્ડન સામે.
- અમરેલી: બપોરે 2 થી 5 વાગ્યા સુધી - રોકડિયા હનુમાનની બાજુમાં, અમરેલી.
- આણંદ: બપોરે 1 થી 3 વાગ્યા સુધી - ઉમાભવન, બોરસદ ચોકડી.
- મોરબી: સાંજે 4 થી 5:30 વાગ્યા સુધી - કલેક્ટર કચેરી, સો ઓરડી.
- ડાંગ: બપોરે 1:30 થી 4:00 વાગ્યા સુધી - ડાંગ જિલ્લા પંચાયત, આહવા.
- દાહોદ: બપોરે 1 થી 3 વાગ્યા સુધી - જિલ્લા પંચાયતની સામે.
- નર્મદા: બપોરે 12 થી 4 વાગ્યા સુધી - રમત ગમત મેદાન, રાજપીપળા.
