Mehsana News: મહેસાણા જિલ્લાની પેરોલ ફર્લો સ્ક્વોડે મુંબઈના મુલુંદ વિસ્તારમાં દરોડો પાડી પાંચ વર્ષથી છેતરપિંડીના ગુનામાં નાસતા ફરતા એક આરોપીને ઝડપી પાડ્યો છે. ઉનાવા પોલીસ મથકમાં નોંધાયેલા વિશ્વાસઘાત અને છેતરપિંડીના કેસમાં સંડોવાયેલા આ આરોપીની મહેન્દ્રકુમાર મુળશંકર જોષી વર્ષ 2019 થી પોલીસને ચકમો આપી ફરાર હતો. પોલીસે આરોપીને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મહેસાણા પોલીસ દ્વારા નાસતા ફરતા ગુનેગારો અને પેરોલ પર છૂટીને ફરાર થયેલા કેદીઓને પકડવા માટે હાલમાં એક વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ અભિયાન અંતર્ગત મહેસાણા એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. કામળીયાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. કે.જી. ચૌધરી અને તેમની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન પોલીસને આરોપી મહારાષ્ટ્રના મુંબઈમાં હોવાની ચોક્કસ માહિતી મળી હતી.
હેડ કોન્સ્ટેબલ પ્રકાશકુમાર અને કોન્સ્ટેબલ હિતેષકુમારને મળેલી બાતમી મુજબ, મૂળ નખત્રાણા (ભુજ-કચ્છ)નો વતની અને અગાઉ મીરા રોડ (થાણે) ખાતે રહેતો આરોપી મહેન્દ્રકુમાર જોષી હાલમાં મુલુંદ વેસ્ટમાં એમ.જી. રોડ પર આવેલી લોહાણા મહાપરિષદમાં છુપાયો હતો.
આ બાતમીના આધારે મહેસાણા પોલીસની ટીમે તુરંત મુંબઈ પહોંચી, લોહાણા મહાપરિષદના મકાન નંબર A-45 માં દરોડો પાડ્યો હતો. સ્થળ પર હાજર વ્યક્તિની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ મહેન્દ્રકુમાર હોવાનું સ્વીકાર્યું હતું. પોલીસે 13 જૂનના રોજ તેની અટકાયત કરી હતી. આ ધરપકડ અંગે આરોપીની પત્ની મીતાબેન અને તેના જમાઈ બાદલ જોષીને સ્થળ પર જ જાણ કરવામાં આવી હતી.
આરોપી સામે ઉનાવા પોલીસ સ્ટેશનમાં ઇ.પી.કો. કલમ 406, 420, 419 અને 114 મુજબ ગુનો નોંધાયેલો હતો. ધરપકડ બાદ મુંબઈના સ્થાનિક મુલુંદ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની નોંધ કરાવી, પોલીસ ટીમ આરોપીને લઈને ગુજરાત પરત ફરી હતી. 14 જૂનના રોજ બપોરે 12:15 વાગ્યે ઉનાવા પોલીસ સ્ટેશનની ડાયરીમાં નોંધ કરાવી આરોપીને આગળની કાર્યવાહી માટે સ્થાનિક પોલીસને સોંપવામાં આવ્યો છે. પાંચ વર્ષથી કાયદાની પકડથી દૂર રહેલા આરોપીની ધરપકડને મહેસાણા પોલીસની મોટી સિદ્ધિ માનવામાં આવી રહી છે.
