નરેન્દ્ર આહીર, Gujarat Farmer Protest: ગુજરાતમાં ખાનગી કંપનીઓ દ્વારા ખેતરોમાં આડેધડ વીજપોલ ઉભા કરવામાં આવી રહ્યા છે, જેને લઈને રોષે ભરાયેલા ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. એવામાં ગોંડલ ખાતે આયોજિત ખેડૂત સંમેલનમાં રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ખેડૂતોના હિતમાં એક મહત્ત્વનું નિવેદન આપ્યું છે.
ભાજપે ક્યારેય ખેડૂતોના અહિતનું વિચાર્યું નથી
કૃષિમંત્રી જીતુ વાઘાણીએ ખેતરોમાં મંજૂરી વિના વીજ પોલ નાંખવા અંગે ચાલી રહેલા વિવાદ વચ્ચે ખેડૂતોને ખાતરી આપતા જણાવ્યું કે, ટૂંક સમયમાં ખેડૂતોના હિતમાં એક કલ્યાણકારી નીતિની જાહેરાત કરવામાં આવશે. ભાજપ સરકારે ક્યારેય જગતના તાતનું અહિત વિચાર્યું નથી.
જ્યાં સુધી વીજ પોલ અંગે નવી નીતિની સત્તાવાર જાહેરાત ના થાય, ત્યાં સુધી કોઈ પણ ખેડૂતને ખેતીકામમાં મુશ્કેલી ના પડે, તે માટે વહીવટી તંત્રને કડક સૂચના આપી દેવામાં આવી છે. અમારી સરકાર ખેડૂતોના પડખે ઉભી છે. ભૂતકાળમાં પણ ખેડૂતોના જે કોઈ પ્રશ્નો આવ્યા, ત્યારે સરકારે તેનું યોગ્ય નિવારણ કર્યું છે.
ખેડૂતોની ચિંતાનો ઉલ્લેખ કરતાં જીતુ વાઘાણીએ જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યના ઊર્જામંત્રી પોતે આ બાબતે સતત ચિંતિત છે અને મોનિટરિંગ કરી રહ્યા છે. સરકાર એવી નીતિ ઘડી રહી છે, જેનાથી રાજ્યના એક પણ ખેડૂતને આર્થિક કે વ્યવહારિક નુકસાન ન ભોગવવું પડે.
અત્યારે આ નીતિ આખરી તબક્કામાં છે અને ટૂંક સમયમાં જ તેની સત્તાવાર જાહેરાત મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવશે. આ સંમેલન બાદ સ્થાનિક ખેડૂતોમાં વર્ષો જૂની વીજ પોલની સમસ્યાનો કાયમી ઉકેલ આવવાની આશા જાગી છે.
કૃષિમંત્રીએ મંચ પરથી વારંવાર ભારપૂર્વક જણાવ્યું હતું કે, ખેડૂતોએ સહેજ પણ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આ સરકાર ખેડૂતોની, ખેડૂતો દ્વારા અને ખેડૂતોના વિકાસ માટે કામ કરતી સરકાર છે.
