જસદણ હત્યાકાંડમાં મોટો ખુલાસોઃ પતિ શોધવા નીકળતા ગભરાયેલી પ્રેમિકાએ સાથે રહેવાની જીદ કરી, ઉશ્કેરાયેલા પ્રેમીએ ગળું ઘોંટી મારી નાંખી

પ્રેમીના ઘરે જવા જીદે ચડેલી કાજલે બૂમાબૂમ કરતાં તેનો અવાજ દબાવવા માટે મોંઢામાં કાગળનો ડૂચો ભરાવી દેતા શ્વાસ રુંધાઈ જવાથી તે બેભાન થઈ ગઈ હતી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 17 Jun 2026 06:30 PM (IST)Updated: Wed, 17 Jun 2026 06:30 PM (IST)
jasdan-murder-mystery-man-kills-lover-and-hangs-body-outside-ramapir-temple
HIGHLIGHTS
  • ઘરની બહાર નિંદ્રાધીન પતિને પડતો મૂકીને કાજલ પ્રેમીને મળવા પહોંચી હતી
  • હત્યાને આત્મહત્યામાં ખપાવવા માટે પ્રેમિકાની લાશને ઝાડ પર લટકાવી દીધી

નરેન્દ્ર આહીર, Rajkot Murder: રાજકોટ જિલ્લાના જસદણ નજીકના કોઠી ગામે આવેલા રામાપીરના મંદિર સામે કેળાના ઝાડ સાથે લટકતી હાલતમાં કાજલ સાપરા (23) નામની પરિણીતાની લાશ મળી હતી. કાજલે આત્મહત્યા કરી હોવાનું મનાતું હતુ, પરંતુ તપાસના અંતે તેને પ્રેમીએ મોંઢે ડૂચો દઈ હત્યા કર્યા બાદ તેને આત્મહત્યામાં ખપાવવા માટે લાશને ઝાડ સાથે લટકાવી દીધી હતી.

પ્રાથમિક તપાસમાં બનાવના દિવસે કાજલ સાપરા પતિને ઊંઘતો રાખીને પ્રેમી અશોકને મળવા પહોંચી ગઈ હતી. આ દરમિયાન પતિ જાગી જતાં તેણે પ્રેમી અશોક પાસે રહેવા બાબતે માથાકૂટ થઈ હતી. જેના પગલે ઝઘડો થતાં ઉશ્કેરાયેલા અશોકે તેની હત્યા કરી નાંખી હતી. જે બાદ ગઈકાલે સવારે કાજલની ઝાડ પર ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી.

આ મામલે ગામના સરપંચ વલ્લભભાઈ સોલંકીએ જાણ કરતાં જસદણ પોલીસ મથકનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જ્યાં પ્રાથમિક દ્રષ્ટિએ શંકાસ્પદ મોત જણાતા ASP નવીન ચક્રવર્તીએ જુદી-જુદી ટીમો ઉપરાંત LCBને પણ તપાસ માટે કામે લગાડી હતી. આખરે કાજલની કોલ ડિટેઈલ્સ અને હ્યુમન સોર્સિસની મદદથી તપાસના અંતે હત્યા કરવામાં આવી હોવાનું ખુલ્યું હતુ.

પોલીસે કોઠી ગામમાં રહેતા અશોકની અટકાયત કરીને પૂછપરછ કરતાં સામે આવ્યું કે, કાજલ મકાનની બહાર પોતાના પરિવારને ઊંઘતો રાખીને થોડે દૂર રાહ જોઈ રહેલા પ્રેમી અશોકને મળવા પહોંચી હતી. મોડી રાતે તેના પતિ યોગેશની અઢી વાગ્યે આંખ ઉઘડતા તે પત્નીને શોધવા નીકળ્યો હતો.

બૂમો પાડતી પ્રેમિકાને શાંત પાડવા પ્રેમીએ મોંઢામાં કાગળનો ડૂચો ભરાવી દીધો

પતિ પોતાના શોધવા નીકળ્યો હોવાની જાણ થતાં કાજલ ગભરાઈ ગઈ હતી અને પ્રેમીને પોતાની સાથે લઈ જવા જિદ કરવા લાગી હતી. જેને પગલે બન્ને વચ્ચે ઝઘડો થતાં કાજલ બૂમો પાડવા લાગી હતી. આથી પ્રેમી અશોકે તેનો અવાજ દબાવવા માટે મોંઢામાં કાગળનું ડૂચો ભરાવી દીધો હતો. જેથી શ્વાસ રુંધાઈ જવાથી કાજલ અર્ધબેભાન થઈ જતા અશોકે ગળું દબાવીને શાંત પાડી દીધી હતી.

જે બાદ પ્રેમી અશોક કાજલની લાશને ખભા પર નાંખીને 50 મીટર દૂર લઈ ગયો હતો. જ્યાં અવાવરું મકાનની બહાર આવેલા કેળાના ઝાડ સાથે કાજલની લાશને લટકાવીને હત્યાના બનાવને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. આટલું જ નહીં કાજલનો ફોન પણ તોડી નાંખ્યો હતો.