Rajkot Demolition: રાજકોટના ઘંટેશ્વરમાં 2200 ચો.મી. સરકારી જમીન પરનું દબાણ તાત્કાલિક હટાવવા હુકમ

કબજેદારે 1845થી રાજાશાહીના સમયથી જમીન પર કબજો ધરાવતા હોવાના પુરાવા રજૂ કરી માલિકી હક્ક સાબિત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મામલતદાર કોર્ટે દલીલો નકારી કાઢી

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 17 Jun 2026 04:29 PM (IST)Updated: Wed, 17 Jun 2026 04:29 PM (IST)
rajkot-demolition-order-to-immediately-remove-pressure-on-2200-sq-mt-government-land-in-ghanteshwar
HIGHLIGHTS
  • રૂ. 8 કરોડથી વધુ સરકારી જમીન પર દબાણ કરનાર કબજેદારને રૂ. 48,972નો દંડ

નરેન્દ્ર આહીર, Rajkot Demolition: રાજકોટ તાલુકાના ઘંટેશ્વર ગામે સરકારી ખરાબાની જમીન પર આશરે 25 વર્ષથી કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણ ખાલી કરવાનો ઘંટેશ્વર મામલતદાર કોર્ટે મહત્વનો આદેશ આપ્યો છે.

રાજકોટ તાલુકાના મામલતદાર કે.એચ. મકવાણાની કોર્ટ દ્વારા આ પેશકદમી કેસમાં સામાવાળાને રૂપિયા 48,972/- નો દંડ ફટકારી તાત્કાલિક જમીન ખુલ્લી કરવા હુકમ કરાયો છે.

આ કેસની વિગતો મુજબ, ઘંટેશ્વર ગામના રેવન્યુ સર્વે નંબર 150 પૈકીની આશરે 2200 ચોરસ મીટર સરકારી ખરાબાની જમીન પર ખેતી વિષયક હેતુ માટે મોમભાઇ કરમણભાઇ વરૂ નામના વ્યક્તિ દ્વારા ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હોવાની દરખાસ્ત સર્કલ ઓફિસર દ્વારા રજૂ કરવામાં આવી હતી. જેમની અંદાજિત બજાર કિંમત 8 થી 10 કરોડ રૂપિયાની સરકારી જમીન થવા જાય છે.

સુનાવણી દરમિયાન સામાવાળા તરફથી એવી રજૂઆત કરવામાં આવી હતી કે, તેઓ તેમના પિતા અને દાદા વર્ષ 1845થી એટલે કે રાજાશાહીના સમયથી આ જમીન પર સળંગ કબજો ધરાવે છે. તેમણે ઠાકોર સાહેબ ધર્મેન્દ્રસિંહજી દ્વારા ફાળવવામાં આવેલ જમીનના પત્રોની ઝેરોક્ષ નકલ, ગ્રામ પંચાયત અને મહાનગરપાલિકાના વેરા બિલ તેમજ વીજ બિલ રજૂ કરીને માલિકી હક સાબિત કરવાનો પ્રયાસ કર્યો હતો.

જો કે મામલતદાર કોર્ટે આ દલીલો નકારી કાઢી હતી અને જણાવ્યું કે, સામાવાળા દ્વારા જમીનની માલિકી અંગેના કોઈ અસલ કે પાકા આધાર-પુરાવા (જેવા કે 7/12 કે 8-અ) રજૂ કરાયા નથી. માત્ર વેરા ભરપાઈ કરવાથી સરકારી જમીન પર માલિકી હક પ્રસ્થાપિત થઈ શકતો નથી. રાજાશાહી વખતના લેખની ખરી નકલ ઉપલબ્ધ ન હોવાથી તેની ખરાઈ થઈ શકતી નથી.

મામલતદાર કે.એચ. મકવાણાએ અંતિમ ચુકાદો આપતા જણાવ્યું કે રેવન્યુ રેકોર્ડ મુજબ આ જમીન સંપૂર્ણપણે સરકારની માલિકીની છે. આથી, સરકારી નિયમો અને તા. 04/05/2011ના ગેઝેટ અનુસાર જંત્રીના 1 ટકા મુજબ રૂ. 48,972/- નો દંડ વસૂલ કરવા અને દબાણ વાળી જમીન તાકીદે ખાલી કરાવવા રેવન્યુ તલાટી અને સર્કલ ઓફિસરને આદેશ કરાયો છે. જો દબાણ સ્વેચ્છાએ ખુલ્લું કરવામાં નહીં આવે તો જમીન મહેસુલ કાયદાની કલમ-202 હેઠળ કડક કાર્યવાહી કરીને દબાણ હટાવવામાં આવશે.