રાજકોટ મનપામાં વર્ષોથી ભાજપનું શાસન છતાં 'નલ સે જલ' નહીં, ટેન્કરથી પાણી પહોંચાડવા સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત

આગામી બે વર્ષમાં ન્યૂ રાજકોટના વિકસિત વિસ્તારોમાં સંખ્યાબંધ સોસાયટીઓમાં પાઇપલાઇન નખાઇ જશે. જ્યાં પાઇપલાઇન નંખાઇ છે, ત્યાં કનેકશન પણ મળી જાય તેવી આશા

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 17 Jun 2026 04:47 PM (IST)Updated: Wed, 17 Jun 2026 04:47 PM (IST)
rajkot-water-crisis-proposal-in-the-standing-committee-to-supply-water-through-tankers
HIGHLIGHTS
  • શહેરના બે લાખ લોકોને ટેન્કરથી પાણી પૂરું પડાશે, આખા વર્ષ માટે રૂ. 6.5 કરોડનો કોન્ટ્રાક્ટ મંજૂર

નરેન્દ્ર આહીર, Rajkot Water Crisis: રાજકોટની કમનસીબી કહેવાય કે, આજે દેશને આઝાદ થયાના આટલા વર્ષ પછી પણ ટેન્કર યુગમાંથી શહેર આઝાદ થયુ નથી. ભાજપનું મનપામાં આટલા વર્ષો સુધીના શાસન છતાં શહેરના હજારો લોકો હજુ પણ ટેન્કરનું પાણી પી રહ્યા છે.

કહેવાતા વિકસિત વિસ્તારમાં સંખ્યાબંધ વિસ્તારોમાં હજુ સુધી પાણીની પાઇપલાઇન પાથરવામા આવી નથી. આવા વિસ્તારોમાં એક વર્ષ માટે ટેન્કરથી પાણી વિતરણ કરવાની દરખાસ્ત આજે મળેલી સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં આવી હતી.

કોન્ટ્રાક્ટ બે વર્ષ માટે આપવાની દરખાસ્ત હતી. સ્ટેન્ડીંગ કમિટીએ એક વર્ષ માટે બહાલી આપી રૂ.6.50 કરોડનો ખર્ચ ચેરમેન પરેશભાઇ પીપળિયાએ મંજૂર કર્યો હતો. મળતી સતાવાર માહિતી મુજબ પોણા બે લાખથી વધુ લોકોને હજુપણ ટેન્કરથી પાણી આપવામા આવશે.

શહેરમાં એક તરફ સ્માર્ટ સિટી અને આધુનિક સુવિધાઓના દાવા થઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ અનેક વિસ્તારો આજે પણ નિયમિત પાણીની પાઈપલાઈન સુવિધાથી વંચિત છે. આવા વિસ્તારોમાં ટેન્કર અને ટ્રેક્ટર મારફતે પાણી વિતરણ મનપા કરી રહી છે. આ દરમિયાન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશભાઈ પીપળિયાના અધ્યક્ષસ્થાને યોજાનારી બેઠકમાં એક અરજન્ટ સહિત કુલ 14 દરખાસ્તો આવી હતી.

સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગના પ્રારંભે પૂર્વ મેયર સ્વ.જનકભાઇ કોટકને શ્રદ્ધાંજલિ આપવામા આવી હતી. જે બાદ એજન્ડા હાથ પર લેવાયો હતો. જેમા મહત્વની દરખાસ્તમાં પાઈપલાઈન સુવિધા વિહોણા વિસ્તારોમાં પાણી વિતરણ માટે ટેન્કર અને ટ્રેક્ટર સેવા ચાલુ રાખવાની મંજૂરી માગવામા આવી હતી.

આ દરખાસ્ત તો બે વર્ષ માટેનો કોન્ટ્રાકટ આપવાની હતી, પરંતુ સ્ટેન્ડિંગ ચેરમેન પરેશભાઇ પીપળિયાએ એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો કે, આવતા બે વર્ષમાં ન્યૂ રાજકોટના વિકસિત વિસ્તારોમાં સંખ્યાબંધ સોસાયટીઓમાં પાઇપલાઇન નખાઇ જવાની છે. જ્યા પાઇપલાઇન નખાઇ છે, ત્યા કનેકશન પણ મળી જશે. એ જોતા હાલ પુરતુ એક વર્ષ માટેનો કોન્ટ્રાક્ટ રાખવામા આવે તેવો નિર્ણય લઇને એક વર્ષ માટે રૂ.6 કરોડ 50 લાખનો ખર્ચ મંજૂર કરવામા આવ્યો હતો.