સુરતના અતિથિગૃહમાં ભાવનગરની 22 વર્ષીય પરિણીતાએ કર્યો આપઘાત, ચાર મહિના પહેલાં જ પતિનું થયું હતું નિધન

યુવતીએ બે વર્ષની પુત્રીની નજર સામે જ ઝેરી દવા પી લીધી હતી.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Wed, 17 Jun 2026 08:37 AM (IST)Updated: Wed, 17 Jun 2026 08:37 AM (IST)
bhavnagar-widow-commits-suicide-in-surat-umiyadham-atithi-bhavan

Surat suicide news: સુરતના વરાછા વિસ્તારમાં આવેલા ઉમિયાધામ મંદિરના અતિથિ ભવનમાં ભાવનગરની 22 વર્ષીય પરિણીતાએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો છે. આ દરમિયાન તેની સાથે દોઢ વર્ષની માસૂમ દીકરી પણ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, પતિના નિધન બાદ ભારે એકલતા અનુભવતી આ મહિલાએ આ આત્મઘાતી પગલું ભર્યું હતું.

વરાછાના અતિથિ ગૃહમાં રોકાઈ ભાવનગરની યુવતી

આ સમગ્ર બનાવ અંગે મળતી વિગત અનુસાર, મૂળ વાવ થરાદની વતની અને હાલ ભાવનગરના નારી રોડ પર કુંભારવાડા પાસે આવેલી ગીરનાર સોસાયટીમાં રહેતી 22 વર્ષીય રીના અક્ષય બારૈયા પોતાની દોઢથી બે વર્ષની દીકરી સાથે સુરત આવી હતી. તેણે વરાછા અશ્વિનીકુમાર રોડ પર આવેલા ઉમિયાધામ મંદિરના અતિથિ ભવનમાં રૂમ ભાડે રાખ્યો હતો.

દીકરીની સામે જ ઝેર પીધું, પરિવારને ફોન પણ કર્યો 

આજે મંગળવારે સવારે યુવતીએ રૂમમાં દીકરીની હાજરીમાં જ ઝેરી દવા પી લીધી હતી. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, ઝેરી દવા પીધા બાદ રીનાએ પોતાના પરિવારને ફોન કરીને જણાવ્યું કે, "મેં ઝેરી દવા પી લીધી છે."

બીજી તરફ, આ બનાવ અંગે અતિથિ ભવનના સ્ટાફને જાણ થતાં તેઓ તાત્કાલિક દોડી ગયા હતા અને તંત્રને જાણ કરી હતી. જે બાદ 108 એમ્બ્યુલન્સ મારફતે રીનાને ગંભીર હાલતમાં સ્મીમેર હોસ્પિટલમાં ખસેડી હતી, જોકે ટૂંકી સારવાર બાદ તેણે દમ તોડી દીધો હતો.

naidunia_image

ત્રણ વર્ષ પહેલા લવ મેરેજ અને પછી થયું પતિનું મોત

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, રીનાએ ત્રણ વર્ષ પહેલાં જ અક્ષય નામના યુવક સાથે પ્રેમલગ્ન કર્યા અને બંને ભાવનગરમાં સ્થાયી થયા હતા. પરંતુ, માત્ર 3 થી 4 મહિના પહેલાં જ અક્ષયનું ગંભીર બીમારીથી અવસાન થયું હતું. પતિના અકાળે નિધનથી રીના ભારે આઘાતમાં સરી પડી હતી. અંતે, પતિના વિરહમાં એકલતા અનુભવતી હોવાથી તેણે આ આત્યંતિક પગલું ભર્યું હોવાની શક્યતા છે.

પોલીસે કાર્યવાહી હાથ ધરી, પરિવારનો કર્યો સંપર્ક

આ ઘટનાની જાણ થતાં જ અશ્વિનીકુમાર પોલીસ સ્મીમેર હોસ્પિટલ અને ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તપાસ દરમિયાન પોલીસને રીનાના મોબાઈલમાંથી તેની એક બહેનપણીનો નંબર મળ્યો હતો, જેના આધારે પરિવારનો સંપર્ક કરી તેમને જાણ કરવામાં આવી હતી. હાલમાં મૃતદેહને સ્મીમેર હોસ્પિટલના PM રૂમમાં રાખવામાં આવ્યો છે.

પોલીસના જણાવ્યા અનુસાર, બુધવારે ભાવનગરથી સાસરિયાં સુરત પહોંચ્યા બાદ મૃતદેહ અને બાળકીનો કબજો પરિવારને સોંપવામાં આવશે. આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.