Vadodara News:વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના લામડાપુરા ગામે ગત 14 જૂનની રાત્રે હથિયારધારી ટોળકીએ મચાવેલા આતંક અને દહેશતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને ખુલ્લો પડકાર ફેંકતી આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને અંતે મંજુસર પોલીસ એક્શન મોડમાં આવી છે.
ગ્રામજનોમાં વ્યાપેલી ભયની લાગણી વચ્ચે, પોલીસે કાયદાનું શાસન સ્થાપિત કરવા માટે ખુદ સરકાર તરફથી ફરિયાદી બનવાનું નક્કી કર્યું છે. હેડ કોન્સ્ટેબલ રાજુભાઈની સત્તાવાર ફરિયાદના આધારે મંજુસર પોલીસે સ્થાનિક સરપંચના પુત્ર સહિત કુલ ૮ ઇસમો સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને આર્મ્સ એક્ટની વિવિધ કડક કલમો હેઠળ ગુનો નોંધી કાનૂની સપાટો બોલાવ્યો છે.
ગામમાં આતંક મચાવ્યો
પોલીસ ફરિયાદમાં સામે આવેલી વિગતો મુજબ, ૧૪ જૂનની રાત્રે લામડાપુરા ગામના સરપંચના પુત્ર ઉપેન્દ્રસિંહ પરમારે અંગત અદાવત કે અન્ય કોઈ કારણોસર બહારથી ભાડૂતી ગુંડાઓની એક આખી ટોળકીને ગામમાં બોલાવી હતી. આ અસામાજિક તત્વો હાથમાં તલવાર, ધારીયા, ફરસી અને લાકડીઓ જેવા ઘાતક અને તીક્ષ્ણ હથિયારો સાથે ગામની શાંતિ ડહોળવા ત્રાટક્યા હતા.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, આ ટોળકી પૈકીનો એક શખ્સ પોતાની કમર પર પિસ્તોલ જેવું જીવલેણ હથિયાર લટકાવીને જાહેરમાં ઘૂમી રહ્યો છે. આ હથિયારધારી ટોળકીએ રસ્તા પર ઉતરી આવીને અપશબ્દો કહી પાર્ક કરેલાં વાહનોમાં બેફામ તોડફોડ કરી હતી અને ગ્રામજનોને ડરાવવા માટે "જો ગોળી મારીશું તો મોંમાંથી લોહીનો ફુવારો નીકળશે" જેવી લોહીલુહાણ ધમકીઓ આપી ગામમાં આતંક અને ભયનો માહોલ ઊભો કર્યો હતો.
આરોપીઓને પકડવા પોલીસની જુદી જુદી ટીમો કાર્યરત
લામડાપુરા ગામની આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ હરકતમાં આવ્યા હતા અને તેમના સીધા માર્ગદર્શન હેઠળ મંજુસર પોલીસે આકરી કાર્યવાહી શરૂ કરી છે. હાલમાં ગુનાનો મુખ્ય સૂત્રધાર અને સરપંચનો પુત્ર ઉપેન્દ્રસિંહ પરમાર તેમજ તેના અન્ય સાગરીતો પોલીસ ધરપકડના ડરથી ગામ છોડીને ભૂગર્ભમાં ઉતરી ગયા છે. પોલીસે આ તમામ ફરાર ગુનેગારોને ઝડપી પાડવા માટે જુદી જુદી ટીમો બનાવીને તેમના સંભવિત આશ્રયસ્થાનો અને અડ્ડાઓ પર દરોડા પાડવાની પ્રક્રિયા તેજ કરી છે. પોલીસે દાવો કર્યો છે કે તમામ આરોપીઓને વહેલી તકે જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવશે.
