પ્રશાંત ગજ્જર, Vadodara News: વડોદરા શહેરમાં વધુ એકવાર જાહેર સ્થળે નમાઝ પઢવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વિવાદ વકર્યો છે. જેમાં વડોદરાની SSG હોસ્પિટલની OPD બિલ્ડિંગમાં ત્રણ વ્યક્તિઓ નમાઝ પઢી રહ્યા છે. જેનો વીડિયો સામે આવ્યા બાદ હરકતમાં આવેલા હોસ્પિટલ તંત્રએ તપાસના આદેશ આપ્યા છે.
રજાના કારણે હોસ્પિટલના સિક્યુરિટી ગેરહાજર હોવાનું અનુમાન
સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલો વીડિયો વડોદરાની જાણીતી સરકારી સયાજીરાવ જનરલ હોસ્પિટલની OPD બિલ્ડિંગમાં રજાના સમયે બપોરના ગાળામાં શૂટ કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે, કારણ કે તે સમયે દર્દીઓની ભીડ ઓછી હતી.
ખાસ વાત એ છે કે, આ સમયે કોઈ સિક્યુરિટી જવાન કે હોસ્પિટલનો સ્ટાફ પણ આસપાસ દેખાતો નથી. જેના કારણે હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલ ઉભા થઈ રહ્યા છે.
દર્દીના સગા હોવાની આશંકાઃ સુપ્રિટેન્ડન્ટ
આ સંવેદનશીલ મામલે સયાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડૉ. રંજન ઐયરે જણાવ્યું કે, આ વીડિયો અમારા ધ્યાનમાં આવ્યો છે. હોસ્પિટલ એક જાહેર અને સંવેદનશીલ સ્થળ છે. પ્રાથમિક તપાસના આધારે એવું અનુમાન છે કે, વીડિયોમાં દેખાતા લોકો હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોઈ દર્દીના સગા-સંબંધી હોઈ શકે છે. આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અમે આંતરિક તપાસ શરૂ કરાવી દીધી છે અને સિક્યુરિટી એજન્સી પાસેથી પણ ખુલાસો માંગવામાં આવશે.
વડોદરામાં MS યુનિવર્સિટી બાદ હવે SSG હોસ્પિટલની OPDમાં નમાઝ પઢતો વીડિયો વાયરલ, તંત્ર દ્વારા તપાસના આદેશ pic.twitter.com/wyR3Cc2kFr
— Gujarati Jagran (@gujaratijagran) June 17, 2026
MS યુનિવર્સિટીના જૂના વિવાદની યાદ તાજી થઈ
વડોદરામાં સાર્વજનિક સ્થળે ધાર્મિક પ્રવૃત્તિનો આ કોઈ પ્રથમ કિસ્સો નથી. આ પૂર્વે શહેરની વિશ્વવિખ્યાત એમ. એસ. યુનિવર્સિટીના પરિસરમાં આવેલી સંસ્કૃત મહાવિદ્યાલયના મુખ્ય ગેટની સામે જ એક યુવક અને યુવતી દ્વારા નમાઝ પઢવામાં આવી રહી હોવાનો વીડિયો વાયરલ થયો હતો.
આ સમયે પણ ભારે હોબાળો મચ્યો હતો અને યુનિવર્સિટી પ્રશાસને શિસ્તભંગના પગલાં ભરવા પડ્યા હતા. હવે સરકારી હોસ્પિટલમાં બનેલી આ ઘટનાને કારણે શહેરમાં ફરી એકવાર આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.
હોસ્પિટલ તંત્ર આ વીડિયો ક્યારનો છે અને નમાઝ પઢનાર વ્યક્તિઓ કોણ હતા તેની સત્તાવાર પુષ્ટિ કરવા માટે સીસીટીવી (CCTV) ફૂટેજની પણ ચકાસણી કરી રહ્યું છે.
