Vadodara Accident CCTV: વડોદરામાં 48 કલાક મોત સાથે લડ્યા બાદ યુવકે દમ તોડ્યો, પૂરપાટ ઝડપે આવતી કારે યુવકને અડફેટે લીધો હતો

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Wed, 26 Jun 2024 11:28 AM (IST)Updated: Wed, 26 Jun 2024 11:30 AM (IST)
vadodara-accident-news-young-man-died-after-battling-for-48-hours-following-a-collision-with-a-speeding-car-see-cctv

Vadodara Accident News: વડોદરાના તરસાલી પાસે 23 જૂનના રોજ હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં એક પૂરપાટ ઝડપે આવતી કારે યુવકને અડફેટે લીધો હતો. ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયેલા યુવકે 48 કલાક સુધી મોત સાથે લડ્યા બાદ ગત મોડી રાત્રે દમ તોડ્યો હતો. વિનય રોહિત નામના યુવકના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આખા પરિવારનું ગુજરાન વિનય ચલાવતો હતો.

યુવકના મોતથી પરિવાર ભાંગી પડ્યો
ભગવાને આપેલ સુંદર જિંદગી આજે બેફામ વાહન ચાલકોના કારણે છીનવાઈ રહી છે. 23 જૂનના રોજ શહેરના તરસાલી રિંગ રોડ પર રોડ ક્રોસ કરી રહેલા 19 વર્ષીય વિનય રોહિત નામના યુવકને એક કારે અડફેટે લેતા યુવક જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હતો. આ યુવકનું ગઇકાલે મોડી રાત્રે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. યુવકના મોતથી પરિવાર ભાંગી પડ્યો છે.

પરિવારે ઘરનો આધારસ્તંભ ગુમાવ્યો
વિનય AC રિપેરીંગનું કામ કરી તેના માતા-પિતા અને 4 વર્ષના નાના ભાઈનું ગુજરાન ચલાવતો હતો. વિનયની કમાઈ પર જ તેનો આખરો પરિવાર નિર્ભર હતો. અને હવે જયારે વિનયના શ્વાસ થંભી ગયા છે ત્યારે તેમનો આખો પરિવાર નોધારો બન્યો છે. અકસ્માત સર્જનાર કાર ચાલક હજી પણ પોલીસ પકડ થી દૂર છે. મકરપુરા પોલીસ ફરાર કાર ચાલકને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.

અકસ્માતની ઘટના સીસીટીવીમાં થઇ હતી કેદ
સુસેન તરસાલી રિંગ રોડ પર રોડ ક્રોસ કરી રહેલા યુવકને માતેલા સાંઢની જેમ દોડતી કારે અડફેટે લીધો હતો. અકસ્માત સર્જી કાર ચાલાક ફરાર થઇ ગયો હતો. હિટ એન્ડ રનની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ હતી. જેમાં એવું જોવા મળે છે કે, રોડ ક્રોસ કરી રહેલા એક યુવકને પાછળથી આવતી કાર ટક્કર મારી નાસી જાય છે. સ્પીડ બ્રેકર હોવા છતાં કાર ચાલકે બ્રેક ન મારી હતી.