Vadodara News: વડોદરાના રાજકારણમાંથી આ સમયના સૌથી મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. વડોદરા ભાજપમાં લાંબા સમયથી ચાલી રહેલી આંતરિક ખેંચતાણ અને જૂથવાદનો કાયમી અંત લાવવા માટે પ્રદેશ ભાજપ હાઇકમાન્ડ દ્વારા એક અત્યંત આકરો અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. વડોદરા મહાનગરપાલિકા (VMC)ના વિકાસના કામો અને મહત્વના નિર્ણયોમાંથી હવે ભાજપ સંગઠનની ધરખમ બાદબાકી કરી દેવામાં આવી છે. પ્રદેશ ભાજપના આ અનપેક્ષિત નિર્ણયથી સ્થાનિક સ્તરે મોટો રાજકીય ગરમાવો આવી ગયો છે અને સંગઠનના હોદ્દેદારોમાં સોંપો પડી ગયો છે.
3 દાયકા જૂની રાજકીય પરંપરાનો અંત
વડોદરા ભાજપમાં છેલ્લા 30 વર્ષથી એક મજબૂત પ્રથા ચાલી આવતી હતી, જેનો હવે પ્રદેશ નેતૃત્વ દ્વારા સત્તાવાર રીતે અંત આણી દેવાયો છે. અત્યાર સુધી વડોદરા કોર્પોરેશનની સ્થાયી સમિતિ ની બેઠક મળે તે પહેલાં ભાજપ કાર્યાલય ખાતે અનિવાર્યપણે ‘સંકલન બેઠક’ યોજાતી હતી. આ બેઠકમાં ભાજપ પ્રમુખ, મહામંત્રી અને સંગઠનના અન્ય હોદ્દેદારો કોર્પોરેશનના એજન્ડા પર પોતાના વિચારો, મંતવ્યો અને વીટો પાવર મૂકતા હતા. પરંતુ પ્રદેશ ભાજપના નવા આદેશ અનુસાર, હવે ભાજપ કાર્યાલય ખાતે આવી કોઈ જ સંકલન બેઠક મળશે નહીં.
- સંકલન પ્રથા બંધ: ભાજપ કાર્યાલય ખાતે કોર્પોરેશનના કામો માટે મળતી બેઠકો હવે ભૂતકાળ બનશે.
- ચૂંટાયેલી પાંખ મજબૂત: સ્થાયી સમિતિને જ તમામ નિર્ણયો લેવાની આખરી અને સર્વોચ્ચ સત્તા.
- ગાંધીનગરથી મોનિટરિંગ: તમામ એજન્ડા સીધા મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને મોકલાશે.
ફરિયાદો ગાંધીનગર પહોંચતા હાઇકમાન્ડે કોરડો વીંઝ્યો
સૂત્રોના જણાવ્યા અનુસાર, વડોદરા ભાજપના નેતાઓ વચ્ચે ચાલતી આંતરિક લડાઈ, જૂથવાદ અને ખેંચતાણને કારણે વડોદરાના વિકાસના કામો રૂંધાતા હોવાની તથા ફાઈલો અટવાતી હોવાની વ્યાપક ફરિયાદો ગાંધીનગર સુધી પહોંચી હતી. સ્થાનિક સંગઠનની દખલગીરી વડોદરાના વિકાસમાં અવરોધ બનતી હોવાનું ધ્યાને આવતા પ્રદેશ નેતૃત્વએ આ આકરો કોરડો વીંઝ્યો છે.
નવી વ્યવસ્થા હેઠળ હવે સંગઠનની દખલગીરી સંપૂર્ણપણે અટકાવવા માટે કોર્પોરેશનના તમામ એજન્ડા સીધા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રીની મંજૂરી અને કડક દેખરેખ હેઠળ મુકાશે. આ નિર્ણયથી સ્પષ્ટ થઈ ગયું છે કે પ્રદેશ હાઇકમાન્ડે સંગઠનની પાંખો કાપી નાખી છે અને ચૂંટાયેલી પાંખને વહીવટી રીતે વધુ મજબૂત અને જવાબદાર બનાવી છે.
