વડોદરામાં હિટ એન્ડ રન: પાણીગેટ પાસે નશામાં ધૂત બાઇક ચાલકે વૃદ્ધને 15 ફૂટ ઢસડ્યા, સારવાર દરમિયાન નીપજ્યું મોત; સમગ્ર ઘટના CCTVમાં કેદ

વડોદરાના પાણીગેટ પાસે દારૂના નશામાં ધૂત બાઇક ચાલકે 60 વર્ષીય વૃદ્ધને ટક્કર મારી 15 ફૂટ ઢસડ્યા. ઘટનામાં વૃદ્ધનું સારવાર દરમિયાાન મોત થયું

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Wed, 17 Jun 2026 03:53 PM (IST)Updated: Wed, 17 Jun 2026 04:25 PM (IST)
vadodara-hit-and-run-drunk-biker-knocks-down-elderly-man-panigate-cctv

Vadodara Hit and Run: વડોદરા શહેરમાં બેફામ અને નશાખોર વાહન ચાલકોનો આતંક દિન-પ્રતિદિન વધી રહ્યો છે, જેનો ભોગ વધુ એક નિર્દોષ નાગરિક બન્યા છે. વડોદરાના પાણીગેટ પોલીસ સ્ટેશન નજીક ગત મોડી સાંજે એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે.

દારૂના નશામાં ધૂત એક બાઇક ચાલકે રસ્તે ચાલતા જઈ રહેલા 60 વર્ષીય વૃદ્ધને જોરદાર ટક્કર મારી 15 ફૂટ સુધી ઢસડ્યા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજતાં પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે. પોલીસે ગુનો નોંધી આરોપી બાઇક ચાલકની ધરપકડ કરી લીધી છે.

પૂરપાટ બાઈકે વૃદ્ધને મારી ટક્કર

પ્રત્યક્ષદર્શી મોહમ્મદ ઝૈદના જણાવ્યા અનુસાર, આ ઘટના 16 જૂનની મોડી સાંજે અંદાજે 7:30 વાગ્યાની આસપાસ બની હતી. પાણીગેટ પાસે આવેલી સુલેમાની ચાલ તરફ એક 60 વર્ષીય વૃદ્ધ રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલી એક બાઇકે વૃદ્ધને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. બાઇકની સ્પીડ એટલી વધારે હતી ,કે વૃદ્ધ હવામાં ફંગોળાઈને રોડ પર અંદાજે 15 ફૂટ સુધી ઢસડાયા હતા.

naidunia_image

ટોળાએ બાઇક ચાલકને પકડી પોલીસને સોંપ્યો

અકસ્માત સર્જનાર બાઇક પર બે યુવકો સવાર હતા અને બાઇક ચાલક સંપૂર્ણપણે નશાની હાલતમાં હોવાનું બહાર આવ્યું છે. અકસ્માત થતાં જ આસપાસના સ્થાનિક લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા. લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ તુરંત જ બાઇક ચાલકને પકડી પાડી પાણીગેટ પોલીસના હવાલે કર્યો હતો. હાલ આરોપી પોલીસ કસ્ટડીમાં છે.

naidunia_image

CCTV ફૂટેજ આવ્યા સામે, તપાસ શરૂ

અકસ્માત બાદ લોહીલુહાણ હાલતમાં વૃદ્ધને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેમણે દમ તોડ્યો હતો. આ સમગ્ર અકસ્માતની ભયાનક ઘટના નજીકના સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો હોસ્પિટલ અને ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

naidunia_image

આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં ટ્રાફિક નિયમોના લીરેલીરા ઉડાડતા અને નશો કરીને વાહન ચલાવતા તત્વો સામે કડક ઝુંબેશ ચલાવવાની જરૂરિયાત ઊભી કરી છે.