Vadodara News: વડોદરા શહેરના ડભોઈ રોડ પર આવેલા વુડાના મકાનોમાં ઉછીના આપેલા પૈસા પાછા માંગવા જેવી સામાન્ય બાબતમાં સગા સંબંધીઓએ જ એક મહિલા પર જીવલેણ હુમલો કર્યો હોવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. આ હિંસક હુમલામાં ગંભીર રીતે ઘવાયેલી મહિલાને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે એસ.એસ.જી. હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
મળતી વિગતો મુજબ, ડભોઈ રોડ પર મહાનગર વુડાના મકાનમાં રહેતા 32 વર્ષીય પરવીનબેન ઈસરાર અંસારીએ તેમની બહેનની દીકરી સીમરનને થોડા સમય પહેલાં પૈસા ઉછીના આપ્યા હતા. ગઈકાલે 15 જૂનની રાત્રે અગિયાર વાગ્યાના અરસામાં જ્યારે સીમરન પરવીનબેનના ઘરે આવી, ત્યારે પરવીનબેને પોતાના આપેલા પૈસાની માંગણી કરી હતી. આ સાંભળતા જ સીમરન ઉશ્કેરાઈ ગઈ હતી અને મામલો બિચક્યો હતો.
માથામાં લાકડી ઝીંકી નીચે પાડી દીધી, દીકરીઓ સાથે પણ ઝપાઝપી કરી
સીમરને પરવીનબેન સાથે હોબાળો કરી ગાળાગાળી શરૂ કરી દીધી હતી. આ દરમિયાન તેનો ભાઈ સલમાન પઠાણ હાથમાં લાકડી લઈને ધસી આવ્યો હતો અને તેણે પરવીનબેનને માથાના ભાગે લાકડીનો ફટકો મારી દીધો હતો, જેથી તેઓ ચક્કર ખાઈને નીચે પડી ગયા હતા. આટલાથી ન અટકતા, ત્યાં હાજર મોટી બહેન સલમા કુરેશીએ પણ પરવીનબેનને ગડદાપાટુનો બેરહેમ માર માર્યો હતો. આ ઝઘડો જોઈને પરવીનબેનના વૃદ્ધ માતા સૈયદા પઠાણ વચ્ચે બચાવવા પડ્યા તો હુમલાખોરોએ તેમને પણ જોરદાર લાફો મારી દીધો હતો.
જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર
ભોગ બનનાર પરવીનબેનના જણાવ્યા અનુસાર, હુમલાખોરોની સાથે વિક્કી નામનો એક શખ્સ પણ આવ્યો હતો. તેણે પરવીનબેનની દીકરીઓ સાથે બિભત્સ ઝપાઝપી કરી હતી અને જતાં-જતાં ધમકી આપી હતી કે, "જો હવે પછી વુડાના મકાનોમાં જોવા મળ્યા તો જીવતા છોડીશ નહીં." ઘટના બાદ તમામ હુમલાખોરો ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
બીજી તરફ, લોહીલુહાણ હાલતમાં પરવીનબેનને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સયાજી હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. આ મામલે હોસ્પિટલના બિછાનેથી જ પરવીનબેને સીમરન પઠાણ, સલમાન પઠાણ, સલમા કુરેશી અને વિક્કી વાઘરી વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને હુમલાખોરોની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.
