NRI News: અમેરિકામાં રહેતા ભારતીય વિદ્યાર્થી મોત સામે જંગ લડી રહ્યો છે. અલાબામા રાજ્યના મોન્ટગોમરીમાં એક સગીર ચાલકે ટક્કર મારતા 27 વર્ષીય ભારતીય વિદ્યાર્થી સાઇ તેજાને ગંભીર ઇજાઓ પહોંચી છે. ગંભીર હાલતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે. સાઇ તેજા મોન્ટગોમરીની બેપ્ટિસ્ટ મેડિકલ સેન્ટર સાઉથ હોસ્પિટલમાં આઇસીયુમાં સારવાર હેઠળ છે. ભારતીય વિદ્યાર્થીનો પરિવાર હાલ ત્યાં પહોંચી શકે તેમ ન હોવાથી અમેરિકામાં રહેતા તેના મિત્રો દ્વારા સારસંભાળ રાખવામાં આવી રહી છે.
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, મૂળ હૈદરાબાદનો સાઇ તેજા ઉચ્ચ અભ્યાસ માટે સ્ટૂડન્ટ વિઝા પર અમેરિકા ગયો છે. તેણે તાજેતરમાં જ ન્યૂ ઇંગ્લેન્ડ યુનિવર્સિટીમાંથી માસ્ટર્સની ડિગ્રી મેળવી છે અને નોકરી શોધી રહ્યો છે. અલાબામાના મોન્ટગોમરીમાં સાઇ તેના તેના મિત્રની ગ્રેજ્યુએશન સેરેમનીમાંથી પરત ફરી રહ્યો હતો એ સમયે આ અકસ્માત થયો હતો. ટક્કર એટલી ભયાનક હતી કે સાઇને મગજના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી.તેમજ જડબા અને ડાબા પગે ફ્રેક્ચર થયું છે.
આ પણ વાંચો
અકસ્માત સમયે સાઇ જે કારમાં હતો એ કારમા તેની સાથે અન્ય એક મિત્ર અખિલ પણ હતો. જેને સામાન્ય ઇજાઓ પહોંચી છે. સાઇ પાસે કોઇ મેડિકલ ઇન્સ્યોરન્સ નથી, જેના કારણે પરિવાર અને મિત્રો મેડિકલ ખર્ચને લઇને ચિંતિત બન્યા છે. હોસ્પિટલ તંત્રનું કહેવું છેકે, સાઇની હાલત નાજૂક છે. ગંભીર ઇજાઓમાંથી બહાર આવવા માટે સમય લાગી શકે છે. તે હાલ બેભાન અવસ્થામાં છે અને ભાનમાં આવ્યા પછી પણ મહિનાઓ સુધી ન્યુરોલોજીકલ કેર, ફિઝિયોથેરાપી, ઓક્યુપેશનલ થેરાપી અને સ્પીચ થેરાપી લેવી પડશે.
સાઇ તેજાના પિતા અને ભાઇ હાલ ભારતામાં છે અને તાત્કાલિક અમેરિકા પહોંચી શકે તેમ નથી. અમેરિકામાં રહેા તેના મિત્રો અને અન્ય સંબંધીઓ દ્વારા હોસ્પિટલમાં સાઇની સંભાળ રાખવામાં આવી રહી છે અને સારવાર અંગે અપડેટ લેવામાં આવી રહી છે. સાઇ તેજાની સારવાર સહિતના ખર્ચને પહોંચી વળવા માટે મિત્ર અખિલ દ્વારા એક ઓનલાઇન ફંડ એકત્ર કરવાનું અભિયાન શરૂ કરાયું છે. આ ફંડ દ્વારા સાઇના હોસ્પિટલના બિલ, મેડિકલ સંબંધિત વસ્તુઓમાં આર્થિક સહાય મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સ્થાનિક પોલીસ દ્વારા સમગ્ર બનાવમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
