Middle East Conflict, Shocking Video RT Journalist : મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષની કવરેજ કરી રહેલા પત્રકારો પર જોખમ સતત વધી રહ્યું છે. દક્ષિણ લેબનાનમાં રશિયાના સરકારી ન્યૂઝ નેટવર્ક 'રશિયા ટુડે' (RT) ના પત્રકાર સ્ટીવ સ્વીની અને તેમના કેમેરામેન અલી રેઇડા એક ભયાનક ઇઝરાયેલી મિસાઇલ હુમલામાં માંડ-માંડ બચ્યા છે. આ ઘટના 19 માર્ચ 2026 ના રોજ બની હતી, જ્યારે પત્રકાર લાઈવ રિપોર્ટિંગ કરી રહ્યા હતા અને તેમની પાછળ જ એક શક્તિશાળી મિસાઇલ આવીને પડી હતી.
લાઈવ કેમેરામાં કેદ થઈ શોકિંગ ઘટના
પત્રકાર સ્ટીવ સ્વીની જ્યારે લેબનાનમાં યુદ્ધની સ્થિતિ વિશે માહિતી આપી રહ્યા હતા, ત્યારે અચાનક વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. સ્ટીવ સમય સૂચકતા વાપરીને તરત જ જમીન પર નમી ગયા હતા અને તેના થોડા જ સેકન્ડમાં તેમની પાછળ માત્ર થોડા મીટરના અંતરે એક મિસાઇલ ફટી હતી. આ ભયાનક દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે, જેમાં ધૂળના ડમરીઓ અને પ્રચંડ વિસ્ફોટ જોઈ શકાય છે. આ હુમલામાં સ્ટીવ અને તેમના કેમેરામેન બંને ઘાયલ થયા છે અને હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યાં તેમની સ્થિતિ સ્થિર હોવાનું જણાવાયું છે. પત્રકારના ડાબા હાથમાં છર્રા વાગ્યા હતા જેને હોસ્પિટલમાં ઓપરેશન કરીને કાઢવામાં આવ્યા છે.
રશિયાનો ઇઝરાયેલ પર પ્રહાર
આ ઘટનાથી રશિયા સરકાર ભારે રોષે ભરાઈ છે. રશિયન વિદેશ મંત્રાલયે ઇઝરાયેલી રાજદૂત ઓડેડ જોસેફને સમન્સ પાઠવીને આ મામલે કડક વિરોધ નોંધાવ્યો છે. રશિયાએ આ ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવાની અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તેવું આશ્વાસન માંગ્યું છે. રશિયન વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા ઝખારોવાએ આ હુમલાની નિંદા કરતા જણાવ્યું હતું કે, ગાઝામાં અત્યાર સુધીમાં 200 થી વધુ પત્રકારો માર્યા ગયા છે, તે જોતા આ હુમલાને માત્ર અકસ્માત માની શકાય નહીં.
🇮🇱🇱🇧 Insane footage shows an Israeli airstrike impacting right next to RT journalist Steve Sweeney in southern Lebanon.
— The Daily News (@DailyNewsJustIn) March 19, 2026
Russia Today says Steve and his cameraman are both conscious in the hospital. pic.twitter.com/vkRpZy9m8d
હુમલો જાણીજોઈને કરાયાનો આરોપ
કેમેરામેન અલી રેઇડાએ આરોપ લગાવ્યો છે કે ઇઝરાયેલી વાયુસેનાના જેટે જાણીજોઈને તેમના પર હુમલો કર્યો હતો. તેમણે જણાવ્યું કે આ સમયે તેઓ 'PRESS' લખેલા જેકેટમાં હતા જે સ્પષ્ટપણે દેખાતું હતું. જોકે, ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (IDF) એ એક નિવેદનમાં જણાવ્યું છે કે જે વિસ્તારમાં પત્રકારો હતા તે વિસ્તારને ખાલી કરવા માટે અગાઉથી ચેતવણી આપવામાં આવી હતી. IDF એ ઉમેર્યું કે તેઓ પત્રકારોને નિશાન બનાવતા નથી અને આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરે છે.
લેબનાનમાં માનવીય કટોકટી
દક્ષિણ લેબનાનમાં ચાલી રહેલા આ યુદ્ધમાં સ્થિતિ સતત વણસી રહી છે. લેબનાની અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ મહિનાની શરૂઆતથી અત્યાર સુધીમાં આ વિસ્તારમાં અંદાજે 1,000 લોકોના મોત થયા છે અને 10 લાખ લોકો વિસ્થાપિત થયા છે. પત્રકારો પરના આ હુમલાએ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રેસની આઝાદી અને સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.
