US Iran Peace Deal: અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર સંપન્ન, હોર્મુઝ ફરી ખુલશે; રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી મોટી જાહેરાત

રાષ્ટ્રપતિ ટ્રમ્પે હોર્મુઝ પરથી અમેરિકન નૌકાદળની નાકાબંધી હટાવવાની જાહેરાત કરી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 15 Jun 2026 07:37 AM (IST)Updated: Mon, 15 Jun 2026 07:42 AM (IST)
us-iran-peace-deal-president-trump-announces-strait-of-hormuz-reopens-gujarati-news

US-Iran Peace Agreement: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે શાંતિ કરારને અંતિમ સ્વરૂપ આપવાની મોટી જાહેરાત કરી છે. આ કરાર હેઠળ, વિશ્વના સૌથી વ્યસ્ત ઓઈલ શિપિંગ રૂટ પૈકીના એક એવા હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) ફરીથી ખોલવામાં આવશે, અને અમેરિકન નૌકાદળ દ્વારા કરવામાં આવેલી નાકાબંધી તાત્કાલિક ધોરણે હટાવી લેવામાં આવશે.

"એન્જિન ચાલુ કરો, ઓઇલને વહેવા દો" : રાષ્ટ્રપતિ ટ્રમ્પ

રાષ્ટ્રપતિ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' (Truth Social) પર લખ્યું કે, "ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન સાથેનો કરાર હવે પૂર્ણ થઈ ગયો છે, અને તમામ લોકોને આ માટે અભિનંદન." રાષ્ટ્રપતિ ટ્રમ્પે વધુમાં જણાવ્યું કે તેઓ હોર્મુઝની સામુદ્રધુનીને ટોલ-ફ્રી ખોલવા માટે સંપૂર્ણ અધિકાર આપે છે.

સાથે જ હોર્મુઝની સામુદ્રધુની પરથી અમેરિકાની નૌકાદળની નાકાબંધીને તાત્કાલિક હટાવવાનો પણ અધિકાર આપવા અંગે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયાભરના જહાજોને ઉદ્દેશીને તેમણે લખ્યું, "દુનિયાના જહાજો, તમારા એન્જિન ચાલુ કરો, ઓઇલને વહેવા દો!"

પાકિસ્તાનની મધ્યસ્થી અને કરારની વિગતો

આ સમગ્ર શાંતિ કરારમાં પાકિસ્તાને બંને દેશો વચ્ચે મધ્યસ્થી તરીકેની મહત્વની ભૂમિકા ભજવી છે. પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આ કરારની પુષ્ટિ કરતા લખ્યું કે, ગહન વાટાઘાટો બાદ અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર થઈ ગયો છે. બંને પક્ષોએ લેબનોન સહિત તમામ મોરચે સૈન્ય અભિયાન તાત્કાલિક અને કાયમી ધોરણે સમાપ્ત કરવાની જાહેરાત કરી છે.

જોકે, અગાઉ ઈરાને પાકિસ્તાનના નિવેદન સામે વાંધો ઉઠાવ્યો હતો, જેનાથી આ કરાર કેટલો મજબૂત છે તે અંગે સવાલો ઉભા થયા હતા. હજી સુધી કરારની સંપૂર્ણ વિગતો જાહેર કરવામાં આવી નથી. વડાપ્રધાન શરીફના જણાવ્યા અનુસાર, શુક્રવારે સ્વિટ્ઝર્લેન્ડમાં બંને પક્ષો આ ઐતિહાસિક કરાર પર હસ્તાક્ષર કરવાના છે.

શા માટે મહત્વની છે હોર્મુઝની સામુદ્રધુની?

હોર્મુઝની સામુદ્રધુની વિશ્વના 20% જેટલા ઓઇલ અને કુદરતી ગેસના પુરવઠા માટે એક મુખ્ય 'ચોક પોઇન્ટ' (Choke point) તરીકે કામ કરે છે. ગત 28 ફેબ્રુઆરીના રોજ જ્યારે યુદ્ધ ફાટી નીકળ્યું, ત્યારે ઈરાને આ જળમાર્ગને બંધ કરી દીધો હતો. ત્યારબાદ એપ્રિલ મહિનામાં પાકિસ્તાનમાં યોજાયેલી શાંતિ વાટાઘાટો જ્યારે કોઈ પરિણામ સુધી પહોંચવામાં નિષ્ફળ રહી, ત્યારે અમેરિકાએ ઈરાની બંદરો પર નાકાબંધીની જાહેરાત કરી હતી.

હવે આ નવો શાંતિ કરાર અમલમાં આવતા આંતરરાષ્ટ્રીય જળમાર્ગ ફરીથી ધમધમતો થશે, જે વૈશ્વિક તેલ પુરવઠા માટે ખૂબ જ રાહતના સમાચાર છે. જોકે, તમામ જહાજો માટે આ સામુદ્રધુની ક્યારથી સંપૂર્ણપણે ખુલશે તે અંગે હજુ સ્પષ્ટતા થવાની બાકી છે.