અયોધ્યાના શ્રીરામ મંદિરમાં વિરાજમાન રામલલ્લાને વિશ્વની સૌથી મોંઘી કેરીઓમાં સ્થાન ધરાવતી જાપાનની પ્રખ્યાત 'મિયાઝાકી મેંગો' ભોગ સ્વરૂપે અર્પણ કરવામાં આવી છે. અયોધ્યાના જ સ્થાનિક ખેડૂત ઓમપ્રકાશ સિંહે પોતાની બે વર્ષની મહેનત બાદ બગીચામાં સફળતાપૂર્વક ઉગાડેલી આ વિશિષ્ટ કેરીનું પ્રથમ પાકેલું ફળ પરંપરા અનુસાર ભગવાન શ્રીરામને સમર્પિત કર્યું હતું.
ઓમપ્રકાશ સિંહે બે વર્ષ પહેલાં જાપાનની મિયાઝાકી જાતનો કેરીનો છોડ અયોધ્યાની આબોહવામાં સફળતાપૂર્વક ઉગાડી શકાય કે નહીં તે જાણવા માટે વાવ્યો હતો. તેમની મહેનતનું પરિણામ હવે મળ્યું છે અને આ વર્ષે વૃક્ષ પર લગભગ એક ડઝન જેટલી કેરીઓ આવી છે.
આ પણ વાંચો
મિયાઝાકી કેરીની કિંમત કેટલી છે?
જાપાનની પ્રખ્યાત મિયાઝાકી કેરી વિશ્વની સૌથી મોંઘી કેરીઓમાંની એક માનવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત પ્રતિ કિલો અંદાજે 2 લાખથી 2.5 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે. તેના આધારે એક મિયાઝાકી કેરીની કિંમત 80 હજારથી 1 લાખ રૂપિયા સુધી હોવાનો અંદાજ છે.
મંગળવારે ખેડૂત ઓમપ્રકાશ સિંહ શ્રીરામ મંદિરે પહોંચ્યા હતા, જ્યાં તેમણે તુલસીદળ સાથે પોતાના બગીચામાંથી તૈયાર થયેલી પ્રથમ પાકેલી મિયાઝાકી કેરી રામલલ્લાને ભોગ સ્વરૂપે અર્પણ કરી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે મિયાઝાકી કેરી તેની અનોખી મીઠાશ, વધુ ફાઇબર અને પોષક તત્ત્વોથી ભરપૂર ગુણધર્મોને કારણે સમગ્ર વિશ્વમાં ખાસ ઓળખ ધરાવે છે. ઉત્તમ ગુણવત્તા અને દુર્લભતા જ તેને અન્ય કેરીઓથી અલગ બનાવે છે.
