Maharashtra Politics News: પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ (TMC) માં ભંગાણના અહેવાલો બાદ હવે મહારાષ્ટ્રના રાજકારણમાંથી પણ એક ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (UBT) માં મોટો ભાગલા પડવાની પ્રબળ શક્યતા જોવા મળી રહી છે. સુત્રો તરફથી મળતી વિગતો અનુસાર, પાર્ટીના કુલ 9 સાંસદોમાંથી 6 સાંસદો ગઈકાલે મંગળવારે રાત્રે જ એક વિશેષ ચાર્ટર્ડ ફ્લાઇટ દ્વારા દિલ્હી પહોંચી ગયા છે. આ અસંતુષ્ટ સાંસદો આજે લોકસભા સ્પીકર ઓમ બિરલા સાથે ઔપચારિક મુલાકાત કરે તેવી પૂરેપૂરી સંભાવના છે, જેના કારણે ઉદ્ધવ કેમ્પમાં ભારે હલચલ મચી ગઈ છે.
દિલ્હીમાં બેઠકોનો દોર ચાલું
આ રાજકીય ઉથલપાથલની વચ્ચે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને શિવસેના (શિંદે જૂથ) ના મુખ્ય નેતા એકનાથ શિંદે પણ દિલ્હી પહોંચી ચૂક્યા છે. અહેવાલો અનુસાર, દિલ્હીમાં શ્રીકાંત શિંદેના નિવાસસ્થાને આ તમામ 6 સાંસદોની એકનાથ શિંદે સાથે મહત્વની બેઠક યોજાઈ શકે છે, જેની તુરંત બાદ એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરીને મોટી જાહેરાત કરવામાં આવી શકે છે. આ મામલે શિંદે જૂથના એમએલસી (MLC) કૃપાલ તુમાનેએ પણ મોટો દાવો કરતા જણાવ્યું હતું કે, 'ઓપરેશન ટાઇગર' હેઠળ આ સાંસદોને પોતાના જૂથમાં લાવવા માટે છેલ્લા એક મહિનાથી ગુપ્ત ચર્ચાઓ ચાલી રહી હતી, જે હવે પોતાના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે.
સંજય રાઉતનો ગંભીર આરોપ: '₹15 કરોડની એડવાન્સ ઓફર'
બીજી તરફ, આ ભંગાણના અહેવાલો વહેતા થતાં જ ઉદ્ધવ જૂથના ફાયરબ્રાન્ડ નેતા સંજય રાઉતે વિપક્ષી છાવણી પર આકરા પ્રહારો કર્યા છે. સંજય રાઉતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક સનસનાટીભરી પોસ્ટ મૂકીને ગંભીર આક્ષેપ કર્યો છે કે, આ સાંસદોને પક્ષ બદલવા માટે પ્રત્યેકને ₹15 કરોડની મોટી રકમ એડવાન્સ તરીકે ઓફર કરવામાં આવી રહી છે. તેમણે આક્રોશ વ્યક્ત કરતા લખ્યું કે, "બધું પૈસાની રમત છે. મહારાષ્ટ્રના સાંસદોને પક્ષ પલટો કરવા માટે આજે રાત્રે જ ₹15 કરોડ એડવાન્સ અપાઈ રહ્યા છે, જે અત્યંત શરમજનક બાબત છે." ઉલ્લેખનીય છે કે આ પહેલા રાઉતે આ અહેવાલોને અફવા ગણાવી ફગાવી દીધા હતા.
જે જવા માંગે તે ખુશીથી જાય: ઉદ્ધવ ઠાકરે
પક્ષમાં ચાલી રહેલી આ આંતરિક ખેંચતાણ અને બળવાના એંધાણ અંગે ઉદ્ધવ ઠાકરેએ પણ પોતાનું મૌન તોડ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, જે કોઈ પણ પક્ષ છોડીને જવા માંગે છે તે ખુશીથી જવા માટે સ્વતંત્ર છે. અગાઉ થયેલા બળવાનો ઉલ્લેખ કરતા તેમણે ઉમેર્યું કે, "તે સમયે પણ બળવો થવાની માહિતી હોવા છતાં મેં કોઈના પર દબાણ કર્યું ન હતું. કોઈને બળજબરીથી રોકવાનો કોઈ અર્થ નથી. પરંતુ જે લોકો બાળાસાહેબ ઠાકરેની આ શિવસેના છોડીને જઈ રહ્યા છે, તેઓ ભવિષ્યમાં ચોક્કસપણે પસ્તાશે." હાલમાં દિલ્હીથી લઈને મુંબઈ સુધી આ રાજકીય ઘટનાક્રમ પર સૌ કોઈની નજર ટકેલી છે.
