Sharad Pawar News: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ અને વરિષ્ઠ નેતા શરદ પવારને મુંબઈની જાણીતી બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 85 વર્ષીય પવારને નિયમિત આરોગ્ય તપાસ (Routine Health Check-up) અને ફોલો-અપ માટે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. જોકે, હોસ્પિટલના સૂત્રો અને પક્ષના કાર્યકર્તાઓ તરફથી મળતી માહિતી મુજબ ગભરાવાની કોઈ જરૂર નથી અને તેમની સ્થિતિ સંપૂર્ણપણે સ્થિર છે.
શરહ પવારને દાખલ કરાયા
સમાચાર એજન્સી પીટીઆઈ (PTI) ના અહેવાલ મુજબ, શરદ પવારને બે દિવસ પહેલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમના સ્વાસ્થ્ય અંગે ઉદભવેલી ચર્ચાઓ વચ્ચે સૂત્રોએ સ્પષ્ટતા કરી છે કે, "પવાર સાહેબ હોસ્પિટલમાં માત્ર ચેકઅપ અને જરૂરી ફોલો-અપ સંભાળ માટે છે; કંઈપણ ગંભીર નથી." ઉંમરના તબક્કે ડોક્ટરોએ તેમને સમયાંતરે તબીબી દેખરેખ હેઠળ રહેવાની સલાહ આપી છે, જે અંતર્ગત આ દાખલ કરવામાં આવ્યા છે.
તાજેતરમાં વ્હીલચેરમાં શપથ લીધા હતા
ઉલ્લેખનીય છે કે, શરદ પવારની શારીરિક તબિયત છેલ્લા કેટલાક સમયથી નરમ-ગરમ રહી છે, તેમ છતાં તેમનો રાજકીય ઉત્સાહ અકબંધ છે. તાજેતરમાં જ તેમણે રાજ્યસભાના સભ્ય તરીકે વ્હીલચેરમાં બેસીને શપથ લીધા હતા. શારીરિક અશક્તિ હોવા છતાં તેમણે દિલ્હીમાં મીડિયા સાથે વાતચીત કરી હતી અને રાજકીય મુદ્દાઓ પર પોતાનું મંતવ્ય રજૂ કર્યું હતું. તેમની આ મક્કમતાએ કાર્યકર્તાઓમાં નવો જોમ ભર્યો હતો.
ભૂતકાળમાં પણ હોસ્પિટલમાં દાખલ થયા હતા
આ વર્ષે શરદ પવારને અનેકવાર સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. આ વર્ષના પ્રારંભમાં તેમને છાતીમાં ચેપ (Chest Infection) અને ડિહાઇડ્રેશનને કારણે પુણેની હોસ્પિટલમાં બે વાર દાખલ કરવા પડ્યા હતા. સતત પ્રવાસ અને વધતી ઉંમરને કારણે થતા થાકને લીધે ડોક્ટરોએ તેમને પૂરતો આરામ કરવાની વારંવાર સૂચના આપી છે.
રાજકીય વર્તુળોમાં ચિંતા
શરદ પવાર હોસ્પિટલમાં હોવાના સમાચાર મળતા જ મહારાષ્ટ્ર સહિત દેશભરના નેતાઓએ તેમના ઝડપી સ્વાસ્થ્ય સુધારા માટે પ્રાર્થના કરી છે. NCP (શરદચંદ્ર પવાર) જૂથના કાર્યકર્તાઓ હોસ્પિટલ બહાર ઉમટી રહ્યા છે, જોકે પક્ષ તરફથી અપીલ કરવામાં આવી છે કે કોઈએ ચિંતા કરવી નહીં કારણ કે આ એક સામાન્ય મેડિકલ પ્રોસીજરનો ભાગ છે.
