India vs New Zealand: દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાં વનડે અને T20 બંને ફોર્મેટમાં શાનદાર જીત મેળવ્યા બાદ, ભારતીય ક્રિકેટ ટીમ હવે ન્યુઝીલેન્ડ સામે બાથ ભીડવા માટે સજ્જ છે. ટીમ ઈન્ડિયા વર્ષ 2026 ની શરૂઆત ન્યુઝીલેન્ડ સામેની હોમ સિરીઝથી કરશે. કિવી ટીમ ભારતના પ્રવાસે આવી રહી છે, જ્યાં બંને ટીમો વચ્ચે 3 વનડે અને 5 T20 મેચોની સિરીઝ રમાશે.
ટીમ ઈન્ડિયાની જાહેરાત ક્યારે?
ક્રિકેટ ચાહકો આ સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અને ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, BCCI 3 અથવા 4 જાન્યુઆરીના રોજ ન્યુઝીલેન્ડ સામેની વનડે સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી શકે છે. આ સિરીઝની પ્રથમ મેચ 11 જાન્યુઆરીએ વડોદરામાં રમાશે.
શુભમન ગિલ અને શ્રેયસ ઐય્યરનું અપડેટ
આ સિરીઝ દ્વારા સ્ટાર ખેલાડીઓ શુભમન ગિલ અને શ્રેયસ ઐય્યર ટીમમાં વાપસી કરી શકે છે. દક્ષિણ આફ્રિકા સામેની વનડે સિરીઝમાં ઈજાના કારણે બહાર રહેલા શુભમન ગિલ હવે સંપૂર્ણ રીતે ફિટ છે. તેણે નેટ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે અને અહેવાલો મુજબ, તે આ સિરીઝમાં નેતૃત્વની જવાબદારી સંભાળતો જોવા મળી શકે છે.
બીજી તરફ, ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ફિલ્ડિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થયેલા શ્રેયસ ઐય્યરની વાપસી પર હજુ પણ થોડું સસ્પેન્સ છે, પરંતુ તે સાજા થયા બાદ ટીમમાં જોડાય તેવી પ્રબળ શક્યતાઓ છે.
દક્ષિણ આફ્રિકા સામે શાનદાર પ્રદર્શન
ભારતીય ટીમ હાલ જબરદસ્ત ફોર્મમાં છે. દક્ષિણ આફ્રિકા સામેની વનડે સિરીઝમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીનું બેટ જોરદાર ચાલ્યું હતું. વિરાટ કોહલીએ 3 મેચમાં બે સદી અને એક અડધી સદી ફટકારી હતી, જ્યારે રોહિત શર્માએ પણ પોતાની આક્રમક બેટિંગથી પ્રભાવિત કર્યા હતા. બોલિંગમાં કુલદીપ યાદવે કમાલ કરતા 3 મેચમાં કુલ 9 વિકેટ ઝડપી હતી. ભારત આ જ લય ન્યુઝીલેન્ડ સામે પણ જાળવી રાખવા માંગશે.
ન્યુઝીલેન્ડ સામેની સિરીઝ માટે ભારતની સંભવિત ટીમ: શુભમન ગિલ, રોહિત શર્મા, શ્રેયસ ઐય્યર, વિરાટ કોહલી, ઋતુરાજ ગાયકવાડ, તિલક વર્મા, કેએલ રાહુલ, ઋષભ પંત, વોશિંગ્ટન સુંદર, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, નીતિશ કુમાર રેડ્ડી, હર્ષિત રાણા, પ્રસિદ્ધ કૃષ્ણા અને અર્શદીપ સિંહ.
