Google Drive Free Storage: ગૂગલ સ્ટોરેજ ફૂલ થઈ જવું એ આજકાલના ડિજિટલ યુગમાં એક મોટી માથાનો દુખાવો બની ગયું છે. જીમેઈલ, ગૂગલ ડ્રાઈવ અને ગૂગલ ફોટોઝ આ ત્રણેય મળીને આપણને મળતી 15GBની ફ્રી સ્પેસને ક્યારે ભરી દે છે, તેની ખબર જ નથી પડતી. પરિણામે, જરૂરી ઈમેઈલ આવવાના બંધ થઈ જાય છે અને આપણું કામ અટકી પડે છે.
જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો અને Google Oneનું પેઇડ સબ્સ્ક્રિપ્શન લીધા વગર મફતમાં સ્પેસ ખાલી કરવા માંગો છો, તો અહીં આપેલી રીતોનો ઉપયોગ કરીને તમે મિનિટોમાં સ્પેસ બનાવી શકો છો.
આ પણ વાંચો
Gmail માંથી નકામા અને ભારે ઈમેઈલ હટાવો
આપણા ઈનબોક્સમાં એવા હજારો ઈમેઈલ પડ્યા હોય છે જે માત્ર જગ્યા રોકે છે. તેને સાફ કરવા માટે આ સ્ટેપ્સ ફોલો કરો: પહેલા તમારા જીમેઈલના સર્ચ બારમાં has:attachment larger:10M ટાઈપ કરીને સર્ચ કરો. આનાથી 10mbથી મોટી સાઈઝની ફાઈલો વાળા તમામ ઈમેઈલ સામે આવી જશે, જેને તમે ડિલીટ કરી શકો છો. તેમજ બેંક સ્ટેટમેન્ટ, ઓનલાઈન શોપિંગના બિલ અને સોશિયલ મીડિયાની જૂની નોટિફિકેશન્સને ફિલ્ટર કરીને એકસાથે ડિલીટ કરો. ખાસ ધ્યાન રાખો કે ઈમેઈલ ડિલીટ કર્યા પછી 'Trash' કે 'Bin' ફોલ્ડરમાં જાય છે. જ્યાં સુધી તમે ત્યાં જઈને 'Empty Trash' નહીં કરો, ત્યાં સુધી સ્ટોરેજ ખાલી નહીં થાય.
Google Driveનું મેનેજમેન્ટ
ગૂગલ ડ્રાઈવમાં વર્ષો જૂની PDF, ઓફિસ પ્રોજેક્ટ્સ અને મોટી ફાઈલો જમા થતી રહે છે. તો તમારે ડ્રાઈવ ઓપન કરીને 'Storage' ના ઓપ્શન પર ક્લિક કરો. અહીં તમને સૌથી મોટી ફાઈલો ક્રમબદ્ધ જોવા મળશે. જે ફાઈલો હવે કામની નથી તેને તરત જ રીમૂવ કરો. પછી 'Shared with me' સેક્શનમાં જઈને અન્ય લોકો દ્વારા શેર કરાયેલી ભારે ફાઈલો તપાસો અને બિનજરૂરી ફાઈલો હટાવી દો.
Google Photosની ગોઠવણ
આપણા ફોનનો કેમેરો હાઈ-ક્વોલિટી ફોટા પાડે છે, જે ગૂગલ ક્લાઉડ પર બહુ ઝડપથી જગ્યા રોકે છે. ફોટોઝ એપના સેટિંગ્સમાં જઈને અપલોડ ક્વોલિટીને 'Original' માંથી બદલીને 'Storage Saver' કરી દો. આનાથી ફોટાની ગુણવત્તા પણ જળવાશે અને સ્પેસ પણ ઓછી રોકાશે. એ સિવાય Google One એપ કે વેબસાઈટ પર જઈને 'Manage Storage' માં 'Large photos and videos' નો વિકલ્પ ચેક કરો. ત્યાં રહેલા નકામા અને ધૂંધળા વીડિયોઝ ડીલીટ કરો.
ભવિષ્યમાં સ્ટોરેજ ફૂલ ન થાય તે માટેની સ્માર્ટ ટિપ્સ
WhatsApp કે ફોનની ગેલેરીનો ઓટો-બેકઅપ ઓપ્શન બંધ રાખો. વ્હોટ્સએપ પર આવતા ગુડ મોર્નિંગના મેસેજ, મીમ્સ કે બિનજરૂરી સ્ક્રીનશોટ્સ ઓટોમેટીક ગૂગલ ડ્રાઈવ પર અપલોડ થઈને સ્પેસ બગાડે છે. માત્ર જરૂરી ફોટા જ મેન્યુઅલી બેકઅપ કરો ; જો 15 જીબીની મર્યાદા વારંવાર નડતી હોય, તો માત્ર વધારાનો ડેટા અને ફોટોઝ સ્ટોર કરવા માટે એક નવું સેકન્ડરી ગૂગલ એકાઉન્ટ બનાવી લેવું વધુ હિતાવહ છે. જેમ આપણે ઘરની સફાઈ કરીએ છીએ, તેમ મહિનામાં એકવાર અડધો કલાક કાઢીને ડિજિટલ સ્ટોરેજ ક્લીન કરવાની આદત પાડો.
આ સરળ સ્માર્ટ ટિપ્સ અપનાવીને તમે કોઈપણ ખર્ચ વગર તમારા ગૂગલ સ્ટોરેજને કાયમ માટે મેનેજ કરી શકશો અને મહત્વના ઈમેઈલ બ્લોક થવાની ચિંતામાંથી મુક્તિ મેળવી શકશો.
